Mumbai

3 વર્ષની બાળકીના ગાલ પરચુંબન કરવું ગુનાહિત કૃત્ય નથીઃ હાઈકોર્ટ

By GS TEAM
11 Sep 20253 mins read
3 વર્ષની બાળકીના ગાલ પરચુંબન કરવું ગુનાહિત કૃત્ય નથીઃ હાઈકોર્ટ

બાળકો ગમતાં હોય તે સહજતાથી આવું કરતા હોય છે 

કોર્ટમાં શું કહેવું તે પિતાએ જણાવ્યું હોવાની બાળકીની જુબાની પરથી તેેને શિખવાડવામાં આવ્યું હોવાનું પણ કોર્ટે નોંધ્યું

મુંબઈ -   થાણે ની એક વિશેષ કોર્ટે ૨૦૨૧ માં ત્રણ વર્ષની બાળકીના ગાલ પર ચુંબન કરીને છેડતી કરવાના કેસમાં એક પુરુષને નિર્દોેષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે તેના હાવભાવને ગુનાહિત કૃત્ય તરીકે જોઈ શકાય નહીં કારણ કે  જેને બાળકો ગમતા હોય એવી કોઈપણ વ્યક્તિ  સહજ  વૃત્તિથી આવું કરી શકે છે.કોર્ટે આરોપીને શંકાનો લાભ આપતા કહ્યું કે તેના તરફથી સ્પષ્ટ ગુનાહિત ઇરાદાનો અભાવ હતો અને ફરિયાદ પક્ષ તેની સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. ૨૨ ઓગસ્ટના રોજ પસાર કરાયેલા એક આદેશમાં, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) કાયદાને લગતા કેસોની સુનાવણી કરતા સ્પેશિયલ જજ રૃબી યુ માલવણકરે ૫૪ વર્ષીય ઓમપ્રકાશ રામબચન ગિરીને નિર્દોેષ જાહેર કર્યો હતો, જેમના પર ૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ બે અલગ અલગ પ્રસંગોએ સગીર છોકરીને ગળે લગાવવાનો અને ચુંબન કરવાનો આરોપ હતો.

પોલીસે તેના પોક્સો એક્ટની કલમો અને ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૫૪ (મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) હેઠળ ગુનો નોંધ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે  આરોપી વિરુદ્ધ જે કથિત કૃત્ય માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેને એવા કૃત્ય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં જેને બધા કિસ્સાઓમાં અયોગ્ય સ્પર્શ અથવા ખરાબ સ્પર્શ કહી શકાય. સંબંધિત સમયે પીડિતાની ઉંમરને ધ્યાનમાં લેતા, કોઈપણ વ્યક્તિ જે કુદરતી સહજતાથી બાળકોને પ્રેમ કરે છે તે તેને ઉપાડી શકે છે, તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરી શકે છે જે સામાન્ય રીતે સમાજમાં થાય છે. 

આપણા જેવા દેશમાં, આ પ્રકારની હરકતો - જ્યાં સુધી તે બાળકને નુકસાન પહોંચાડતી ન હોય અથવા જ્યાં સુધી તે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ખરાબ ઈરાદાથી કરવામાં ન આવે - તે ખરેખર વાંધાજનક અથવા અપમાનજનક માનવામાં આવતી નથી. તેથી આ કિસ્સામાં પણ કારણ કે આરોપી સંપૂર્ણપણે અજાણ્યો ન હતો કારણ કે તે એક જ વિસ્તારનો રહેવાસી હતો, તેને સંપૂર્ણપણે ગુનાહિત કૃત્ય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં,એમ તેમાં ઉમેર્યું હતું.

કોર્ટે અવલોકન કર્યું કે કથિત ઘટના દરમિયાન બાળક પીડાથી રડયું ન હતું. ન્યાયાધીશે નિષ્કર્ષ કાઢયો હતો કે  આવા બધા સંજોગોમાં પીડિતાનો વિનયભંગ થયાની બાબત જણાતી નથી  અને પ્રેમાળ હાવભાવને વાજબી શંકાની બહાર ગુનાહિત કૃત્ય તરીકે જોઈ શકાય નહીં.

આ તારણોના આધારે, કોર્ટે આરોપીને શંકાનો લાભ  આપી નિર્દોષ જાહેર  કર્યો હતો.  જાતીય કૃત્ય હેઠળના આરોપો સાબિત થયા ન હતા, અને ગિરીને તમામ ગુનાઓમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ પોક્સો એક્ટ હેઠળ પીડિતા બાળક હોવાનું સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્ર અથવા કોઈપણ દસ્તાવેજી પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગયો હતો. જોકે માતાએ જુબાની આપી હતી કે તેની પુત્રી ત્રણ વર્ષની હતી, પરંતુ તેની મૌખિક જુબાનીના સમર્થનમાં કોઈ પુરાવા અપાયા ન હતા. 

ન્યાયાધીશે સાક્ષીઓની જુબાનીમાં ખૂટતી કડી તરફ ધ્યાન દોર્યું હતું. માતાએ પોતે આ કથિત ઘટના જ ોઈ ન હતી પણ ૧૨ વર્ષની છોકરી અને અન્ય બાળક પાસેથી મળેલી માહિતીના આધાર આરોપ લગાવાયો હતો. જોકે, ફરિયાદ પક્ષે બીજી કથિત ઘટના અંગે  માતાને જાણ કરનાર મહત્વપૂર્ણ સાક્ષીનું નિવેદન  નોંધ્યું જ ન હતું. 

બાળકના ગાલ પર ખંજવાળના નિશાન હોવાનો આરોપ હોવા છતાં, તપાસ અધિકારીએ પીડિતાની તબીબી તપાસ કરાવી ન હતી, અને ફરિયાદ પક્ષના સાક્ષીની જુબાનીને કેસમાં માત્ર સુધારો ગણાવી હતી.

પીડિતાએ સાત વર્ષની ઉંમરે નોંધેલી પોતાની જુબાનીને અવિશ્વસનીય માનવામાં આવી હતી.પીડિતાએ તેની ઊલટતપાસમાં કબૂલ્યું હતું કે તેના પિતાએ તેને કોર્ટમાં શું કહેવું તે અંગે સૂચના આપી હતી, જેના કારણે કોર્ટ એવું તારણ કાઢયું કે તેને શીખવ્યું હોવાની શક્યતાને નકારી શકાય નહીં.