ખેસારીલાલ યાદવને મીરા રોડમાં ગેરકાયદેસર બાંધકામની નોટિસ

ચૂંટણી ટાણે ભાજપના દબાણથી નોટિસની ચર્ચા
ભોજપુરી એક્ટર ખેસારીલાલ બિહાર ચૂંટણીમાં ભાજપ સામે આરજેડીના ઉમેદવારઃ હાલ ઘર બંધ છે
મુંબઈ - ભોજપુરી એક્ટર તથા બિહાર વિધાનસભામાં વિપક્ષ રાજદના ઉમેદવાર ખેસારીલાલ યાદવને મીરા રોડના તેમના નિવાસસ્થાને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મીરા ભાયંદર મહાપાલિકા તરફથી નોટિસ અપાઈ છે. નોટિસનું ટાઈમિંગ જોતાં બિહાર ચૂંટણીના કારણે શાસક ભાજપના દબાણથી આ નોટિસ અપાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ખેસારી લાલ યાદવને મીરા રોડ ખાતેના તેમના ઘરે લોખંડના એંગલ તથા પથ્થરના શેડ ગેરકાયદેસર હોવાનું જણાવતી નોટિસ અપાઈ છે. આ દબાણો તત્કાળ દૂર નહિ થાય તો તેને તોડી પાડવામાં આવશે એમ જણાવાયું છે.
આ નોટિસ ગઈ તા. ત્રીજી નવેમ્બરે જારી કરાઈ છે. જોકે, હાલ ચૂંટણીને કારણે સમગ્ર પરિવાર બિહારમાં હોવાથી ઘર બંધ છે.
આ વર્ષે ઘણા પ્રખ્યાત ભોજપુરી ગાયકો અને કલાકારોએ પણ મતદારોને આકર્ષવા માટે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમાંથી, છપરા વિધાનસભા મતવિસ્તારમાંથી ઇવઘ ઉમેદવાર તરીકે ખેસારીલાલ યાદવ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમનો મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર સામે છે. આથી, ભાજપના ઈશારે મ્યુનિસિપલ તંત્રે આ સમયે આ નોટિસ આપી છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે.

