Get The App

ખરાતનું સ્પેશ્યલ ૨૬- પોતાના જ ભક્તો પર આવકવેરાના નકલી દરોડા પડાવ્યા

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ખરાતનું સ્પેશ્યલ ૨૬- પોતાના જ ભક્તો પર આવકવેરાના નકલી દરોડા પડાવ્યા 1 - image

જાતીય શોષણ બાદ ખરાતનાં વધુ એક કારનામાંનો પર્દાફાશ

ધનિક ભક્તોની  જાસૂસી કરાવી આવકવેરાના નકલી દરોડા  પડાવી   સમાધાનના નામે મોટી રકમ વસૂલતો હતોઃ પોલીસને ફરિયાદીઓની રાહ

મુંબઈ -  મેલીવિદ્યા અને કાળા જાદુના નામે લોકોને છેતરનારા અશોક ખરાતનું વધુ એક કારનામુ  પ્રકાશમાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે બોલિવૂડની અક્ષય કુમારની  ફિલ્મ 'સ્પેશિયલ ૨૬'ના જેમ   અશોક ખરાત પોતાના જ ધનિક ભક્તો પર  નકલી આવકવેરા અધિકારીઓ મોકલીને દરોડા પડાવતો પછી સમાધાનના નામે મોટી રકમ વસૂલી તેમને લૂંટતો હતો. આ મામલમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો આગળ આવીને ફરિયાદ કરશે કે કેમ તેના પર નજર રાખવામાં આવી રહી છે. 

     સેંકડો મહિલાઓના જાતીય શોષણના આરોપી અશોક ખરાત પર નાણાકીય છેતરપિંડીનો પણ આરોપ છે. આ કેસમાં એસઆઈટી  તપાસ ચાલી રહી છે.આ દરમિયાન  તેના વધુ એક કારનામાનો ખુલાસો થયો છે. 

  ઢોંગી બાબા ખરાત મોટા ઉદ્યોગપતિ ભક્તોની  જાસૂસી કરતો હતો.પછી તે બોગસ આવકવેરા અધિકારીઓને તેમની પાસે મોકલતો અને તેમને ડરાવતો હતો. એવી માહિતી સામે આવી છે કે તે સમાધાનના નામે ભક્તો પાસેથી મોટી રકમ પડાવતો હતો.

અશોક ખરાત કેસમાં  હેલ્પલાઇન નંબર પર મહિલાઓ અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો તરફથી ફરિયાદો મળી રહી છે. જાતીય સતામણી અને મિલકત હડપ કરવા બાબતે ફરિયાદો આવી રહી છે. મહિલાઓ સામેના અત્યાચારની ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે અને ૧૧  વધુ મહિલાઓએ આગળ આવીને ખરાત પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. 

    પીડિત મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિ, બાળકો અથવા પરિવારના સભ્યોના મૃત્યુનો ડર બતાવીને ફસાવી દેવામાં આવ્યા હતા. આ બધી ફરિયાદોની તપાસ કર્યા પછી એસઆઈટી  આગળની કાર્યવાહી કરશે. છેતરપિંડી કરનાર અશોક ખરાત સામે અત્યાર સુધીમાં ૧૩  કેસ નોંધાયા છે. આમાંથી આઠ કેસ મહિલાઓ પર બળાત્કારના અને ચાર  કેસ છેતરપિંડીના છે.

શિરડી સંસ્થાનના વિકાસ દીવટે કેસની પુનઃ તપાસ ૨૦૨૨ના એક કેસમાં રીઢા ગુનેગાર ખરાતની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. ૨૦૨૨ માં શિરડી સંસ્થાનના કર્મચારી વિકાસ દીવટેએ  આપઘાત કર્યો હતો.  આ કેસમાં ફરિયાદમાં ખરાતનું નામ હોવા છતાં ચાર્જશીટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.    મૃતકના ભાઈ વિલાસ  દીવટે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ શિરડી પોલીસ સક્રિય થઈ ગઈ ગઈ છે.આથી કેસની ફરીથી તપાસ થાય તેવા સંકેતો છે. સરકારી વકીલોનો અભિપ્રાય લીધા પછી શિરડી પોલીસ આગળની કાનૂની કાર્યવાહી કરશે.