3 લાખ માગી દોઢ લાખમાં સોદો કર્યો
મિલ્કત વિવાદમાં અનુકૂળ રિપોર્ટ આપવા માટે પૈસાની માગણી કરી હતી
મુંબઈ - એન્ટી કરપશન બ્યુરો (એસીબી) દ્વારા એક આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની ૧.૫ લાખ રૃપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી તુષાર કાળે (૪૦) ખાર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.
બાંદ્રા સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કાળેને મિલકત વિવાદ અંગેની ફરિયાદની તપાસ કરવાનો અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.તેણે કથિત રીતે આ વિવાદમાં એક પક્ષને અનુકૂળ રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ લાખ રૃપિયાની લાંચની માંગણી કરી હતી.
જાન્યુઆરીમાં આ બાબતની એસીબીને જાણ કરવામાં આવ્યા બાદ તેમણે ફરિયાદીને પોલીસ અધિકારી સાથે વાટાઘાટો ચાલુ રાખવા કહ્યું હતું. પછી કાળેએ સમાધાન કર્યું અને રૃ.૧.૫ લાખની લાંચ લેવા તૈયાર થઈ ગયો હતો.
છેવટે એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને કાળેએ કથિત રીતે પૈસા સ્વીકાર્યા ત્યારે તેને કસ્ટડીમાં લીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સંબધિત કલમ હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


