આગામી ફિલ્મ 'તુ મેરી મૈે તેરા'માં ઉપયોગ સામે અરજી
જે તે સમયે ગીતના મર્યાદિત હક્કો જ અપાયાનું સાબિત થતું નથીઃ અગાઉ પણ ફિલ્મો, જાહેરાતોમાં ઉપયોગ વખતે વાંધો લેવાયો ન હતો
મુંબઈ - આગામી ફિલ્મ 'તુ મેરી મૈં તેરા'માં ૧૯૯૨ની ફિલ્મ 'વિશ્વાત્મા'નું હિટસોન્ગ 'સાત સમુંદર પાર' વાપરવા બદલ રાજીવ રાયની ત્રિમુર્તિ ફિલ્મ્સ પ્રા. લિ.એ કોપી રાઈટના ભંગનો આરોપ કરીને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સામે ંકરેલા કેસમાં હાઈ કોર્ટે રાજીવ રાયને રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
અગાઉ સારેગામાને આ ગીતના મર્યાદિત હક્કો જ અપાયા છે તેવું સાબિત કરવામાં અરજદાર નિષ્ફળ ગયા હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું. સારેગામાએ રેકોર્ડ બનાવવા માટે ધ્વનિ રેકોર્ડિંગ કર્યું હતું અને તેમને ફક્ત એ હેતુ માટે જ રાઈટ્સ અપાયા હતા તેવી દલીલ કોર્ટે સ્વીકારી ન હતી. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું હતું કે ભૂતકાળમાં એકથી વધુ વખત આ ગીતનો અન્ય ફિલ્મો તથા જાહેરખબરોમાં ઉપયોગ થયો છે પરંતુ ત્યારે ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા કોઈ વાંધો લેવાયો ન હતો. ન્યા. શર્મિલા દેશમુખની સિંગલ બેન્ચે આદેશ આપ્યો હતો.
રાજીવ રાયે રૃ. ૧૦ કરોડની નુકસાન ભરપાઈ અને પચ્ચીસમી ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં કોઈ જાતના રિમિક્સ કે ઉપયોગ માટે ગીત તેમ જ તેના શબ્દો અને સંગીત વાપરવાથી કાયમી બંધીનો આદેશ અદાલત સમક્ષ માગ્યો હતો.
કેસમાં ધર્મા પ્રોડક્શન , સારેગામા ઈન્ડિયા લિ. અને રેપર કમ્પોઝર આદિત્ય પ્રતીક સિંહ (બાદશાહ)ને પ્રતિવાદી બનાવ્યા હતા.
રાજીવ રાયે દલીલ કરી હતી કે સારેગામાની પુરોગામી કંપનની ગ્રામોફોન કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડ સાથે આ ગીત માટે કરાર થયા ત્યારે તેેને રિમિક્સ સહિતના ફેર ઉપયોગની મંજૂરી અપાઈ જ ન હતી.
દલીલનો વિરોધ કરતાં ધર્મા પ્રોડેક્શન્સ અને સારેગામાએ રજૂઆત કરી હતી કે ૧૯૯૦ના કરારમાં ગીતમાં સંપૂર્ણ અધિકારો અપાયા હતા. સારેગામાએ એમ પણ જણાવ્યું હતું કે તેણે વર્ષોથી વિવાદીત ગીતને વિવિધ ફિલ્મો અને જાહેરાતોમાં કોઈ વાંધો ઉઠાવાયા વિના ઉપયોગ અને અનુકૂળ લાયસન્સ આપ્યું છે.
કોર્ટે નોંધ્યું હતું કે ત્રણ દાયકાથી વધુ સમયથી ત્રિમૂર્તિ ફિલ્મ્સે મ્યુઝિક બાબતે કોઈ અધિકારોનો દાવો કર્યો નહોતો જ્યારે સારેગામાએ 'કિક' અને 'જબરિયા જોડી' જેવી ફિલ્મો અને કેડબરીની જાહેરાતમાં ઉપયોગમાં ગીતને મુક્ત લાઈસન્સ આપ્યું હતું. એ વખતે ગીતના ઉપયોગ સામે વાંધો ઉઠાવાયો નહોતો. ૨૦૨૪માં ટીઝર રજૂ થયું ત્યારે પણ રાજીવ રાયે કોઈ વાંધો લીધો ન હતો તેવું કોર્ટે જણાવ્યું હતું.


