કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી હુમલોઃ બિશ્નોઈ ગેન્ગે જવાબદારી સ્વીકારી

સલમાન સાથે કામ કરનારને ઠાર કરવાની ધમકી
ગેન્ગના સભ્યએ હુમલા માટે રેસ્ટોરન્ટના ઉદ્ઘાટનમાં સલમાનને અપાયેલા આમંત્રણને જવાબદાર ગણાવ્યું
મુંબઈ - બિશ્નોઈ ગેન્ગના સભ્ય હેરી બોક્સરના ઓડિયો રેકોર્ડિંગથી સ્પષ્ટ થયું છે કે કેનેડામાં કપિલ શર્માની રેસ્ટોરન્ટ પર હુમલો કરવાનું કારણ તેનો સલમાન ખાન સાથે સહયોગ હતો. ગેન્ગસ્ટરે દાવો કર્યો કે કપિલે એક કાર્યક્રમમાં સલમાનને તેની રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપતા સરેમાં તેની કેપ્સ કેફે ખાતે પ્રથમ અને બીજો હુમલો કર્યો હતો. સલમાન ૨૧ જૂને કપિલના પ્રીમિયર એપિસોડ ધી ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં હાજર રહ્યો હતો.
હાલ જેલવાસ ભોગવી રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની આગેવાની હેઠળની બિશ્નોઈ ગેન્ગ ૧૯૯૮માં કાળા હરણના શિકાર બાબતે લાંબા સમયથી સલમાન ખાન પ્રત્યે દુશ્મનાવટ રાખી રહી છે. બિશ્નોઈ સમુદાય આ પ્રાણીને પવિત્ર માને છે.
ઓડિયોમાં હેરી બોક્સરએ ચેતવણી આપી છે કે જે દિગ્દર્શક, નિર્માતા અથવા કલાકાર સલમાન સાથે કામ કરશે તેને છાતીમાં ગોળી મારવામાં આવશે અને તેમના મૃત્યુ માટે તેઓ જ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. તેણે વધુમાં જણાવ્યું કે કોઈને પણ બક્ષવામાં નહિ આવે, પછી ભલે ઉદ્યોગમાં તેનું સ્થાન ગમે તેટલું ઉચ્ચ હોય.
કપિલ શર્માની કેફે પર બીજો હુમલો ગુરુવારે કરાયો હતો જ્યારે ૨૫ રાઉન્ડ ગોળીબારમાં રેસ્ટોરન્ટની બારીઓ તુટી ગઈ હતી. કોઈને ઈજા નહોતી થઈ, પણ પંજાબમાં અનેક ખંડણી અને હત્યાના કેસોમાં વોન્ટેડ રહેલા બિશ્નોઈ ગેન્ગના સભ્ય ગોલ્ડી ઢિલોને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી હતી. પ્રશાસનના મતે ઢિલ્લોન જર્મનીમાં છુપાયેલો છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ હુમલો ૧૦ જુલાઈના રોજ કરાયો હતો અને ભારતના સૌથી મોટા ભાગેડુ પૈકી એક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ઓપરેટીવ હરજીત સિંહએ તેની જવાબદારી લીધી હતી. તેણે આ હુમલા માટે કપિલ દ્વારા નિહંગ શીખો સામે કરાયેલા અપમાનજનક નિવેદનોને કારણ તરીકે ગણાવ્યા હતા.









