અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે નિધનઃ મૃત્યુનું કારણ અસ્પષ્ટ
'કાંટા લગા...' ગીતથી પ્રખ્યાત થયેલી
કાર્ડિયાક અરેસ્ટથી મોતની શંકા - મુંબઇ પોલીસે તપાસ શરૃ કરીઃ અંતિમયાત્રામાં સેલિબ્રિટી, મિત્રોની હાજરીઃ બિગબોઝ સિઝન-૧૩માં સહભાગ બાદ ઘરે ઘરે લોકપ્રિય બનેલી
મુંબઈ - 'કાંટા લગા ગર્લ' અભિનેત્રી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે મૃત્યુથી ઇન્ડસ્ટ્રીમાં આઘાત સાથે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. શેફાલીનું મોત કાર્ડિયાક અરેટ (હદય બંધ પડવાથી)થી થયું હોવાની શંકા છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે ઘરે લાવવામાં આવ્યો હતો. શેફાલીની અંતિમયાત્રામાં સેલેબ્સની ભીડ ઉમટી હતી. અભિનેત્રીના મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
અંધેરીમાં રહેતી અભિનેત્રી શેફાલી જરીવાલા શુક્રવારે રાત્રે ઘરમાં ફસડાઈ પડી હોવાનું કહેવાય છે. તેનો પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ જણ શનિવારે રાતે ૧૧.૧૫ વાગ્યે બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે શેફાલીને મૃત જાહેર કરી હતી.
મીડિયા રિપોટર્સ અનુસાર જરીવાલાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. જો કે પરિવાર કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આફવામાં આવ્યું નહોતું.
પોલીસને શનિવારે રાતે આ બનાવની માહિતી ૧.૦૦ વાગ્યે મળી હતી. શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તેના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. મોબાઇલ ફોરેન્સિક યુનિટ અને પોલીસની એક ટીમ ગોલ્ડન- રેઝ- વાય બિલ્ડિંગમાં તેમની એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. પતિ પરાગ હોસ્પિટલમાંથી ઘરે ગયો અને પોલીસ તપાસમાં સહયોગ કર્યો હતો. બીજી તરફ પરાગ અને શેફાલીના પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શેફાલીના મૃત્યુના કારણ અંગે અભિપ્રાય અનામત રાખવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતીના આધારે તેનું કુદરતી મૃત્યુ હોવાનું જણાયું છે. અને એમા કોઇ ગેરરિતી થઇ નથી. મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ ન હોવાથી એક્સીડેન્ટલ ડેથ રીપોર્ટ નોંધી તપાસ હાથ ધરી છે.
આજે શેફાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને ઘરે લઇ જવામાં આવ્યો હતો. શૈફાલીના ઘરેથી ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. જેમાં પરિવારના સભ્યો શેફાલીની અંતિમ વિદાયની તૈયારી કરતા જોવા મળ્યા હતા.
શેફાલીના નિવાસસ્થાનના વીડિયોમાં તેના પતિ પરાગ, હિન્દુસ્તાની ભાઉ અને અભિનેત્રીના નજીકના મિત્રો મૃતદેહને લઇ જતા જોઇ શકાતા હતા. અંતિમયાત્રામાં પરિવારના સભ્યો ખૂબ જ ભાવુક દેખાતા હતા. બધાની આંખો ભીની હતી. શેફાલીની ફ્રેન્ડ માહ૭રિા અને આરતી શ્રદ્ધાજલી આપવા પહોંચી ગયા હતા.
શેફાલીની મિત્રતા બિગ બોસના ઘરમાં જ માહિરા શર્મા સાથે થઇ હતી. શેફાલી આરતિ સિંહ અને માહિરા બિગ બોસ-૧૩નો ભાગ હતા. શેફાલી તે સીઝનની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હતી.
જરીવાલાએ તેના પતિ સાથે નૃત્ય આધારિત 'નચ બલિયે' જેવા રિયાલિટી શોમાં ભાગ લઇને લોકપ્રિયતા મેળવી હતી. શેફાલીએ ૨૦૦૨માં કાંટા લગાની ભારે લોકપ્રિયતા સામે પ્રસિદ્ધી મેળવી હતી. જે ૧૯૭૨ની ફિલ્મ 'સમાધિ'ના લતા મંગેશકરના ગીતનું રિમિક્સ હતું. અભિનેત્રીએ સલમાન ખાન, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપરાની ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં પણ ખાસ ભૂમિકા ભજવી હતી.
શેફાલીના મૃત્યુના સમાચાર સૌ પ્રથમ પત્રકાર વિક્કી લાલવાણી દ્વારા શેર કરવામાં આવ્યા હતા. બિગ બોસના સ્પર્ધકો રાજીવ અડાલિયા, અલી ગોની, મિકાસિંહે પણ આ સમાચારની પુષ્ટિ કરી હતી.
શેફાલીના અભિનેતા પતિ પરાગ ત્યાગીના હોસ્પિટલ બહારના વીડિયો પણ સામે આવ્યા હતા. હોસ્પિટલની બહાર પરાગનો વીડિયો સોશિયલ મીડિયા શેર કરાયો હતો. જેમાં તે કારમાં બેસેલો જોવા મળતો હતો. સોશિયલ મીડિયા શેફાલીના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.
યુવાન દેખાવા શૈફાલી ખાસ ટ્રીટમેન્ટ કરાવી રહી હોવાની ચર્ચા
દવાની આડઅસરથી શૈફાલીની તબીયત બગડી?
અભિનેત્રી શૈફાલી જરીવાલાના રહસ્યમય મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ પછી ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિક્રિયા આપી છે કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા રાજ્ય સરકારના ડૉક્ટર, એમસીજીએમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને ડોક્ટરોએ તેમનો અભિપ્રાય અનામત રાખ્યો હતો.
દરમિયાન શૈફાલી જરીવાલા છેલ્લા પાંચથી છ વર્ષથી યુવાન દેખાવા માટે ખાસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરાવી રહી હોવાનું કહેવાય છે. આ ટ્રીટમેન્ટની દવાની આડ અસરથી શૈફાલીની તબીયત બગડી હતી કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
એન્ટીએજીંગ ટ્રીટમેન્ટમાં વપરાતી દવાઓમાં મુખ્યત્વે વિટામિન સી અને ગ્લુટાથિયોનનો સમાવેશ છે. ગ્યુટાશિયોનનો ઉપયોગ શરીરને ગોરાપણુ લાવવા અને ડિટોક્સીફિકેશન કરવા માટે થાય છે. જો કે આ દવાઓ હૃદયને અસર કરતી નથી એમ જાણવા મળ્યું છે.