કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ બનશે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ
મુંબઈ,તા.16 જાન્યુઆરી, 2021, શનિવાર
કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ એટલે કે બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં પાલિકા તરફથી બહુ જલદી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. અર્થાત્ શતાબ્દી હોસ્પિટલ હવે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનશે.
હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ જેમકે કાર્ડિયોલોજી, ન્યુરોજસર્જરી, સીટીસ્કેન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેને લીધે કાંદિવલીના નાગરિકોને સ્વાસ્થ્ય સુવિધાઓની બાબતમાં મોટી રાહત મળશે.
શતાબ્દી હોસ્પિટલમાં મુંબઈ ઉપનગરના અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવે છે. માટે આનો મોટો ફાયદો ઉપનગરના રહેવાસીઓને થશે. રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગે હોસ્પિટલના કામને મંજૂરી આપી છે તેથી હવે હોસ્પિટલને દસ માળની ઇમારત બનાવવામાં આવશે. પ્રશાસન અધિકારીઓએ આપેલી માહિતી મુજબ હોસ્પિટલમાં ઓછામાં ઓછા ૩૨૫ બેડ હશે.
અહીંના લોકપ્રિતિનિધઓ દ્વારા નગરપાલિકા પ્રશાસનને ગત કેટલાંક વર્ષોથી આ હોસ્પિટલને અપગ્રેડ કરવા અને તેને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવાની માગણી થઈ રહી હતી.
ઇમારતના નિર્માણમાં ૮૪૨ વૃક્ષો કાપવા આવશ્યક હતાં જેને કારણે પર્યાવરણ વિભાગની મંજૂરી મળી રહી ન હતી પણ હવે મંજૂરી મળી ગઈ છે. માત્ર ૧૪૯ વૃક્ષો જ કપાશે અને બાકીના વૃક્ષોને હોસ્પિટલના પરિસરમાં પુનઃ રોપવામાં આવશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા જલદી શરૃ કરાશે અને બીએમસીના કોન્ટ્રાક્ટરોને કામ પર રાખીને હોસ્પિટલનું કાર્ય પૂર્ણ કરાશે.