Get The App

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગનાં સાક્ષી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
હિંદી ફિલ્મોનાં  સુવર્ણ યુગનાં સાક્ષી  કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન 1 - image

1946માં પહેલી જ ફિલ્મમાં કાન  ફેસ્ટિવલમાં છવાઈ ગયાં હતાં 

દિલીપકુમાર સાથે પ્રેમ સંબંધની ચર્ચા હતીઃ હાલની કબીર સિંઘ અને લાલસિંઘ ચઢ્ઢા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું - 7 દાયકાની જ્વલંત  સિને કારકિર્દી

કઠપૂતળીનાં ખેલથી પણ બાળકોમાં લોકપ્રિય કામિની કૌશલનું જોગાનુજોગે બાળ દિને જ નિધન- ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં અધ્યક્ષ પણ રહ્યાં

મુંબઈ -  હિન્દી સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી અને દંતકથા રૃપ પીઢ અભિનેત્રી કામિની કૌશલનું આજે ૯૮ વર્ષની જૈફ વયે મુંબઇમાં નિધન થયું હતું. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ રહી ચૂકેલા અને મજેદાર બાળવાર્તાઓ તેમ જ ટેલિવિઝન પર કઠપૂતળીના ખેલની રજૂઆતથી બાળકોમાં પ્રિય કામિની કૌશલનું યોગાનુયોગ આજે બાલ- દિને જ અવસાન થયું હતું.

સાત દાયકા સુધી ફિલ્મોમાં સક્રિય રહેવાનો અનોખો વિક્રમ નોંધાવનારા કામિની કૌશલનો જન્મ ૨૪મી ફેબુ્રઆરી ૧૯૨૭માં લાહોરમાં થયો હતો. એમનું મૂળ નામ ઉમા  કશ્યપ હ તું. ૧૯૪૬માં ચેતન આનંદની 'નીચા નગર' ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં  પ્રવેશ કર્યો હતો. ચેતન આનંદની પહેલી પત્નીનું ન ામ ઉમા હોવાથી તેમણે ઉમા કશ્યપનું નામ બદલીને કામિની કૌશલ કર્યું હતું. 'નીચા નગર' ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ગોલ્ડન પામ એવોર્ડ મળ્યો હતો. આમ કાન ફેસ્ટીવલમાં ગોલ્ડન પામ એવોર્ડ મેળવનારી આ પહેલી ફિલ્મ હતી. 

કામિની કૌશલે પોતાના દમદાર અભિનયથી હિન્દી ફિલ્મ જગતમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૧૯૪૦થી ૧૯૬૦ દરમિયાન તેમની ગણના સૌથી મોંઘી એક્ટ્રેસ તરીકે થતી હતી. બોલીવુડના સુવર્ણ યુગના દિલીપકુમાર, દેવઆનંદ, રાજ કપૂર સહિત તમામ મશહૂર સ્ટાર સાથે તેમણે ભૂમિકા ભજવી હતી. દિલીપ કુમારે તેમની જીવનીમાં લખ્યું છે કે તેઓ કામિની કૌશલને ચાહતા હતા. મનોજકુમારની આઠ ફિલ્મોમાં અને પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાની ત્રણ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. એવો પણ વખત હતો કે ફિલ્મના પોસ્ટરોમાં પહેલું નામ કામિની કૌશલનું લખાતું હતું અને પછી હિરોનું ન ામ લખાતું હતું. ૧૯૫૬માં બિરાજ બહુ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસ તરીકે ફિલ્મફેર એવોર્ડ  મળ્યો હતો. ૨૦૧૫માં ફિલ્મફેર તરફથી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. લતા મંગેશકર પહેલી જ વાર નાયિકા કામિની કૌશલ માટે ૧૯૪૮માં ઝિદ્દી ફિલ્મના ગીત માટે પ્લે બેક આપ્યું હતું ત્યાં સુધી લતા મંગેશકરે માત્ર સાઇડ હિરોઇનો માટે જ ગાયું હતું.

કામિની કૌશલની જાણીતી ફિલ્મોમાં શહીદ, જેલર, ગોદાન, નીચા નગર, બિરાજ બહુ, દો રાસ્તે, ઉપકાર, પુરબ ઔર પશ્ચિમ,  રોટી કપડા મકાન, અનહોની વગેરેનો સમાવેશ  થાય છે. વધતી ઉંમરની સાથે તેમણે ચરિત્ર અભિનેત્રી તરીકે અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેમણે તાજેતરનાં વર્ષોમાં શાહરુખ ખાનની  ચેન્નઇ એક્સપ્રેસ અને શાહિદ કપૂરની કબીરસિંહ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ૨૦૨૨માં આવેલી આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા હતી. જૈફ વયે તેમણે ટેલિવિઝન સિરિયલોમાં પણ ભૂમિકા ભજવી હતી. અવ નવી બાળવાર્તાઓ લખતા હતા અને કઠપૂતળીના ખેલને ટીવીના માધ્યમથી નવા જમાનાના  બાળકો સુધી પહોંચાડવાનું મોટું કામ  તેમણે કર્યું હતું.