Lift Fell In Kalyan: મહારાષ્ટ્રના કલ્યાણ પશ્ચિમના ગાંધારી વિસ્તારમાં આવેલી રોયસ બિલ્ડિંગમાં શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક બિલ્ડિંગના છઠ્ઠા માળેથી અચાનક લિફ્ટ પટકાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં લિફ્ટમાં ફસાયેલા આઠ લોકોમાંથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત બે લોકોના પગમાં ફ્રેક્ચર થઈ ગયુ છે. ઘાયલોને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાકને મુંબઈની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે કેટલાક લોકો રોયસ બિલ્ડિંગના પાંચમા માળે રહેતા અંકિત મિસ્ત્રીના ઘરે ગણેશ દર્શન માટે ગયા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ પટકાઈ જવાથી અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘાયલોને બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા.
દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એ સ્પષ્ટ હતું કે, લિફ્ટનું છેલ્લા ઘણા દિવસોથી જાળવણી ચાલી રહી હતી. જોકે, રહેવાસીઓ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ખરાબ લિફ્ટ ચલાવવામાં આવી રહી હતી. રોયસ બિલ્ડિંગમાં કુલ આઠ માળ છે અને તેમાં બે લિફ્ટ છે. સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરીને નાગરિકોના જીવન સાથે ખિલવાડ કરવાથી લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનાથી રોયસ બિલ્ડિંગની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દેવામાં આવ્યો છે. સ્થાનિક લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.


