Get The App

ન્યાયની હત્યા થઈ છેઃ મુંબઈ માટે આ શોકનો કાળો દિવસ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ન્યાયની હત્યા થઈ છેઃ મુંબઈ માટે આ શોકનો કાળો દિવસ 1 - image


ટ્રેન બ્લાસ્ટના પીડિતો- સ્વજનનો ભારે વેદના અને આક્રોશભર્યો ચિત્કાર

આ આરોપીઓ નિર્દોષ છૂટી ગયા તેનો મતલબ એ કે પરિવારનું પેટ ભરવા કમાવા  માટે બહાર નીકળવું એ ગુનો છે, અમે જ અપરાધી છીએ

મુંબઈ -  ટ્રેન બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકાતાં આ  બ્લાસ્ટમાં જખ્મી થયેલા પીડિતો ઉપરાંત જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા પરિવારજનો ભારે આઘાત સાથે દિગ્મૂઢ બની ગયા હતા. એક બ્લાસ્ટ પીડિત સીએ ચિરાગ ચૌહાણે કહ્યું હતું કે આજનો દિવસ મુંબઈ માટે કાળો દિવસ છે, આ શોકનો દિવસ છે. ન્યાયની હત્યા થઈ છે. 

સિરિયલ બ્લાસ્ટમાં ગંભીર રીતે  જખમી થયા પછી અત્યારે વ્હીલચેરમાં જ  હરીફરી શકતા ચિરાગ ચૌહાણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે  સોશ્યલ મિડિયામાં પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દેશનો કાયદો નિષ્ફળ ગયો છે.

સબર્બન ટ્રેનોમાં ૭ સિરિયલ બ્લાસ્ટની  ઘટના બાદ ૧૯ વર્ષે હાઇકોર્ટે ૧૨ આરોપીઓને આજે છોડી મૂક્યા હતા. ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની સ્પેશ્યલ બેન્ચે આ ચુકાદો  જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ ગયો છે. આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો હોય એ માની  શકાય એમ નથી.

તેમણે કહ્યું હતું કે આજનો દિવસ બહુ સંતાપનો દિવસ છે. ન્યાયનો વધ થયો છે. હજારો પરિવારોએ ે ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો આઘાત અને પીડા વેઠયાં છે તેના બદલામાં કોઈનેય સજા થઈ નથી. 

તેમણે કહ્યું હતું કે  મે તો આતંકવાદીઓને માફ કરી દીધા છે અને જીવનમાં આગળ વધવાનું જ મુનાસીબ માન્યું છે.  મને લાગે છે  કે ત્યારે જો પીએમ તરીકે નરેન્દ્ર મોદી હતો તો પહેલાગમ એટેક પછી જેમ ઓપરેશન સિંદૂર હાથ ધરાયું તેમ તે વખતે પણ જડબાતોડ જવાબ અપાયો હોત.

ટ્રેન બ્લાસ્ટ થયા ત્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના ૨૧ વર્ષના  સ્ટુડન્ટ ચિરાગ ચૌહાણ  વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં પ્રવાસી કરતા હતા એ વખતે ખાર અને સાંતાક્રુઝ સ્ટેશન વચ્ચે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકામાં કરોડ રજ્જુમાં ગંભીર ઇજાને કારણે શરીરમાં પક્ષઘાત થવાથી વ્હીલચેરનો આશરો લેવો પડયો છે. એમનું આખું જીવન જ બદલાઇ ગયું છે.

ચૌહાણે સોશ્યલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ ઘટના પછી ત્રણ જ વર્ષમાં મેં મહેનત કરી સી.એ. ફાઇનલ પરીક્ષા ૨૦૦૯માં પાસ કરી હતી. શરૃઆતમાં હું અમુક કલાક જ બેસી શકતો હતો પરંતુ ફિઝિયોથેરાપી પછી હું આઠ કલાક, બાર કલાક અને હવે ૧૬ કલાક બેસીને કામ કરી શકું છું.

હાલ બાવન વર્ષના મહેન્દ્ર પિતલે બ્લાસ્ટ વખતે ૩૩ વર્ષા હતા. પશ્ચિમ રેલવેના કર્મચારી પિતલે ત્યારે ૩૩ વર્ષના હતા. જોગેશ્વરીમાં થયેલા વિસ્ફોટમાં તેમણે પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ખરેખર શું બન્યું હતું તે માત્ર પોલીસ તંત્ર અને કોર્ટ જાણે છે. જો આરોપીઓ છૂટી ગયા હોય તો પછી આ વિસ્ફોટો કોણે કર્યા તેવો સવાલ તેમણે કર્યો હતો. જો  આ આરોપીઓ નિર્દોષ હોય તો ૧૯ વર્ષ પછી પણ આપણે કેમ  સાચા આરોપીઓને પકડી સજા નથી અપાવી શક્યા તેવો  પણ સવાલ તેમણે ઉઠાવ્યો હતો. 

ગાર્ડનિંગ કોન્ટ્રાક્ટર ૪૪ વર્ષીય હરિશ પવારે આ ચુકાદાને ભારે આંચકાજનક ગણાવ્યો હતો.વિરારથી સાઉથ મુંબઈ ટ્રેનમાં અવરજવર કરતા હરીશ પવાર બોમ્બ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે ૧૯ વર્ષ પછી પણ વિસ્ફોટનું એ ભયાવહ   દ્રશ્ય હજુ પણ મારી આંખ સામે તરે છે. ટ્રેનના ડબ્બામાં કેટલાય મૃતદેહો  ક્ષતવિક્ષત હાલતમાં પડયા હતા. કમ્પાર્ટમેન્ટની દિવાલ પર લોહીના ફૂવારા ઉડયા હતા. કેટલાય લોકો દર્દના માર્યા ચિત્કાર કરતા હતા.  તેમણે કહ્યું હતું કે જો આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય તો પછી પરિવારનું પેટ ભરવા માટે કમાવા  ઘરની બહાર નીકળવું એ ગુનો છે અને અમે જ અપરાધીઓ છીએ.  


Tags :