નેવીના નેજા હેઠળ સૈન્યની ત્રણેય પાંખની જોઈન્ટ કવાયત શરુ

મુંબઇના વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા સંચાલન
અરબી સમુદ્ર અને ગુજરાત- રાજસ્થાનના રણ સુધી જળ, જમીન, આકાશમાં સંયુક્ત કવાયત
મુંબઈ - નેવીની રાહબરી નીચે સંરક્ષણ દળની ત્રણેય પાંખોની જોઇન્ટ એક્સરસાઇઝ 'ત્રિશૂળ'ની શરૃઆત થઇ ગઇ છે. ગુજરાત અને રાજસ્થાનના રણથી માંડીને અરબી સમુદ્રમાં જલ, થલ, નભની કવાયત ૧૦મી નવેમ્બર સુધી ચાલશે. મુંબઇ સ્થિત વેસ્ટર્ન નેવલ કમાન્ડની રાહબરી હેઠળ સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાન અને ગુજરાતના રણ પ્રદેશથી માંડીને અરબી સમુદ્રમાં જળ, જમીન અને આકાશમાં સંયુક્ત કવાયતમાં સંરક્ષણ દળની ત્રણેય પાંખો ઉપરાંત કોસ્ટગાર્ડ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ સામેલ થશે. નવી, એરફોર્સ અને આર્મી તથા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સમન્વય સધાય અને કોઇ પણ પડકારને પહોંચી વળવા માટેની સજ્જતાની કસોટી થઇ શકે માટે 'ત્રિશૂલ' એક્સરસાઇઝનું વ્યાપક સ્વરૃપે આયોજન ક રવામાં આવ્યું છે.
આર્મીનું સધર્ન કમાન્ડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને સાઉથ- વેસ્ટર્ન એર કમાન્ડ પરસ્પરના સમન્વયથી કવાયત પાર પાડશે. નેવીના અનેક યુદ્ધ જહાજો, એરફોર્સના ફાઇટર પ્લેન તેમ જ મિલીટરીના જવાનો આ કવાયતને અંજામ આપશે. આ એક્સરસાઇઝ વખતે ઇલેક્ટ્રોનિક વોરફેર (ઇડબલ્યુ) અને સાયબર વોરફેર પ્લાનને પણ ચકાસવામાં આવશે.
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો પરિચય આપવા માટે સ્વદેશમાં નિર્મિત યુદ્ધ-જહાજો, યુદ્ધ- વિમાનો તેમજ શસ્ત્ર- સરંજામ પ્રદર્શિત કરવામાં આવશે, પ્રદર્શિત કરવામાં આવશે, એમ સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

