Get The App

લાલબાગની સોસાયટીનાં દેરાસરમાંથી પોણા બે કરોડનાં દાગીનાંની ચોરી

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
લાલબાગની સોસાયટીનાં  દેરાસરમાંથી પોણા  બે કરોડનાં દાગીનાંની ચોરી 1 - image

કોઈ જાણભેદુનાં કૃત્યની શંકા, સીસીટીવીમાં શકમંદ ઓળખાયો

વન અવિધ્ન ટાવરનાં દેરાસરમાં સોના અને હીરાના દાગીનાથી પ્રતિમાને શણગારાઈ હતીઃ પૂજારીએ તાળું તૂટેલું જોયું 

મુંબઈ -    લાલબાગ નજીક  આવેલા વન અવિઘ્ન ટાવર નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના પરિસરમાં આવેલા જૈન મંદિરમાંથી રૃ.૧.૭૫ કરોડના સોના અને હીરાના દાગીનાની ચોરી થતા ચકચાર જાગી છે.પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે અધિકારીએ  જણાવ્યું હતું.

બીજીતરફ આ ગુનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. 

કાલાચોકી પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧  હેઠળ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  આ ફરિયાદ વન અવિઘ્ન ટાવરના રહેવાસી અને મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના એક  સભ્ય  દ્વારા દાખલ કરવામાં આવી હતી.

 પોલીસે જણાવ્યું હતું કે જૈન મંદિર રહેણાંક સંકુલમાં આવેલું છે.અહીં ભગવાનની મૂતને સોના અને હીરાના દાગીનાથી શણગારવામાં આવી હતી.  મંદિર સવારે પાંચથી રાત્રે નવ  વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે અને તેનું સંચાલન ત્રણ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે.

 સોમવારે સવારે લગભગ પાંચ  વાગ્યે  કૃષ્ણ નામના પૂજારી મંદિરમાં પહોંચ્યા અને જોયું કે તાળું તૂટેલું હતું. તેમણે અંદર પ્રવેશતાં જોયું કે મૂત પરના આભૂષણો ગાયબ હતા. તેમણે તાત્કાલિક ચોરીની  ટ્રસ્ટીઓને જાણ કરી હતી.જેના પગલે ટ્રસ્ટીઓ અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી ૨૯ માર્ચે રાત્રે નવ  વાગ્યાથી ૩૦ માર્ચે સવારે પાંચ  વાગ્યાની વચ્ચે થઈ હતી. આરોપીએ મંદિરનું તાળું તોડીને રૃ.૧.૫ કરોડના સોનાના દાગીના અને રૃ.૨૫  લાખની કિંમતના હીરાના તિલકની  ચોરી કરી હોવાનો આરોપ છે.આમ  ચોરાયેલા દાગીનાની  કુલ કિંમત રૃ.૧.૭૫ કરોડ થઈ   છે.

 પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે.દરમિયાન  શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી હોવાનું કહેવાય છે. પોલીસની ટીમો આરોપીને શોધી રહી છે. તેને બહુ જલ્દી પકડવામાં આવશે એવી અપેક્ષા છે..

પોલીસે મંદિર અને નજીકના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા  છે અને શંકાસ્પદ વ્યક્તિને ઓળખવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. આથી આરોપી ટૂંક સમયમાં ઝડપાય તેવી શક્યતા છે.