ઘાટકોપરમાં રહી ચૂકેલા જવાન મુરલી નાઈક ઉરી સરહદે શહીદ
કામરાજ નગરમાં શોકની લાગણી છવાઈ
સ્કિસ્તાન દ્વારા ડ્રોન હુમલામાં શહીદઃ પરિવાર આંધ્ર શિફ્ટ થઈ ચૂક્યો છે
મુંબઈ - ઘાટકોપર પૂર્વના કામરાજ નગરમાં વર્ષો સુધી વસલવાટ કરી ચૂકેલા સેનાના જવાન મુરલી નાઈક (ઉ.વ.૨૫)નું પાકિસ્તાને જમ્મુ પર કરેલા ડ્રોન હુમલામાં શહીદ થયા હતા. આ સમાચારને પગલે ઘાટકોપરમાં શોકની છાયા ફરી વળી હતી અને સહુએ શહીદને અંજલી આપી હતી.
મુરલી નાઈક ડિસેમ્બર ૨૦૨૨માં લશ્કરમાં જોડાયા પછી તેના પિતા મુટિવથ શ્રીરામ નાઈક અને માતા જ્યોતિબા નાઈક મુંબઈ છોડીને આંધ્ર પ્રદેશમાં સત્ય સાંઈ જિલ્લામાં આવેલા વતનના ગામમાં સ્થાયી થયા હતા. છેલ્લા થોડા વખતથી મુરલી નાઈકને જમ્મુ સેકટરના ઉરીમાં ફરજ સોંપાઈ હતી.
મુરલીએ બે દિવસ પહેલાં તેના પિતરાઈ ભાઈને છેલ્લો ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે બોર્ડર ઉપર મિસાઈલો છોડવામાં આવી રહ્યાં છે અને ડ્રોનથી અટેક ચાલુ છે. તેણે કહ્યું હતું કે મને મારા માતા-પિતાની બહુ ચિંતા થાય છે. મને કઈક થશે તો એની કોણ સંભાળ રાખશે? ત્યારે કઝીન બ્રધરે કહ્યું હતું કે અત્યારે તું તારો ખ્યાલ રાખજે બાકી તારા પેરેન્ટસની જરા પણ ચિંતા કરતો નહીં અમે બધા બેઠાં છીએ એમનું ધ્યાન રાખવા. આ છેલ્લી વાત થયા પછી થોડા સમયમાં મુરલી નાઈક શહીદ થયાના સમાચાર આવ્યા હતા.