જરાંગે મંજૂરી વિના મુંબઈમાં આંદોલન નહિ યોજી શકેઃ હાઈકોર્ટ

ખારઘરમાં આંદોલન માટે મંજૂરીનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડાયો
લોકશાહીમાં વિરોધ પ્રદર્શનોને અચૂક સ્થાન છે પરંતુ કોઈ આંદોલન માટે કોઈ જાહેર જગ્યા અચોક્કસ મુદ્દત માટે રોકી રાખી શકાય નહિઃ કોર્ટ
મુંબઇ - જાહેર સ્થળા પર અનિશ્ચિત મુદ્દત માટે કબજો ધરાવી શકાય નહિ તેમ જણાવી બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેને મુંબઈના આઝાદ મેદાનમાં સત્તવાાળાઓની પૂર્વમંજૂરી વિના વિરોધ પ્રદર્શન યોજવાની મનાઈ ફરમાવી દીધી છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શનોને સ્થાન છે એ સાચું પરંતુ આવાં વિરોધ પ્રદર્શનો ચોક્કસ જગ્યાએ જ યોજાવાં જોઈએ તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ સંદીપ મારણેની ખંડપીઠે એક પીઆઇએલ (પબ્લિક ઇન્ટેરેસ્ટ લિટિગેશન)પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કોઈપણ જાહેર પ્રદર્શન સક્ષમ સત્તામંડળોની પરવાનગી બાદ જ યોજાવાં જોઈએ.
પ્રતિવાદીઓ (જરાંગે અને અન્ય સાથીઓ) સંબંધિત સત્તાધીશો પાસેથી પરવ ાનગી માંગતી અરજી કરી શકે છે અને કાયદાની જોગવાઇઓ પ્રમાણે સરકાર નિર્ણય લઇ શકે છે. બેન્ચે કહ્યું કે મુંબઇમાં રાબેતા મુજબનું જનજીવન ચાલુ રહી શકે તે માટે નવી મુંબઇના ખારઘરમાં વૈકલ્પિક સ્થળ આપવા સરકાર વિચાર કરી શકે છે. જોકે, અચોક્ક્સ મુદ્દત માટે જાહેર સ્થળો પર વિરોધ પ્રદર્શનો ચાલુ નહીં રાખી શકાય તેવું અવલોકન હાઇકોર્ટે કર્યું હતું.
અદાલતે નોંધ્યું હતું કે બુધવારથી ગણેશોત્સવ શરુ થઈ રહ્યો છે અને તે દરમિયાન પોલીસ કાયદા અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેશે.
સૂચિત આંદોલનને પડકારતી જાહેર હિતની અરજી પર કોટે સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે જરાંગેને નોટિસ પાઠવી હતી અને વધુ સુનાવણી નવમી સપ્ટેમ્બરે રાખી છે. અરજદાર, સમાજસેવી સંસ્થા વતી હાજર એડવોકેટે રજૂઆત કરી હતી કે મુંબઇમાં વિરોધ પ્રદર્શનો માટે નિયમિત ઉપયોગમાં લેવાતા આઝાદ મેદાનમાં લાખો આંદોલનકારીઓનો સમાવેશથઈ શકે તેમ નથી અને આ વિરોધ પ્રદર્શનને મંજૂરી અપાશે તો સમગ્ર મુંબઈનું જનજીવન ખોરવાઈ જશે.
તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળીને બેન્ચે કહ્યું કે નિયમો અનુસાર પરવાનગી માટે અરજી કરી મંજૂરી મેળવ્યા વિના આંદોલનકારીઓ આઝાદ મેદાનમાં દેખાવો યોજી શકશે નહિ. તેમને ખારઘરમાં વૈકલ્પિક સ્થળે આંદોલનની મંજૂરી આપવી કે કેમ તેનો નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે.
મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ બિરેન્દ્ર શરાફે કોર્ટમાં રજૂઆત કરી હતી કે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો નાગરિકોનો અધિકાર સામે રાજ્ય સરકારને વાંધો નથી પણ કોઈ આંદોલનથી સમગ્ર શહેર અટકી પડે તેવી પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ.
મરાઠા સમાજ માટે ઓબીસી ક્વોટામાંથી દસ ટકા અનામત મંગળવાર સુધીમાં જાહેર કરવાની માગણી જરાંગેએ કરી હતી. સરકાર માંગણીનો સ્વીકાર નહીં કરે તો મુંબઇમાં કૂચ કરવા અને ૨૯મી ઓગસ્ટથી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચિમકી જરાંગેએ આપી હતી.
અદાલતે આ પીઆઈએલ સંદર્ભમાં જરાંગેને પણ નોટિસ આપી વધુ સુનાવણી તા. નવમી સપ્ટેમ્બર યોજવાનું ઠેરવ્યું છે.









