જામતારા- ટુ સીરિઝના એક્ટર સચિન ચાંદવડેનો ગળેફાંસો ખાઈ આપઘાત

હજુ ગત સપ્તાહે નવી ફિલ્મ વિશે પોસ્ટ કરી હતી
ઓનલાઇન ગેમિંગ- શેર ટ્રેડિંગમાં રૃા. ૫૦ લાખ ગુમાવ્યા હોવાની શંકાઃ ઘરે તકરાર થઈ હતી
મુંબઇ - જામતારા-ટુની બીજી સીઝનમાં અભિનય કરનાર યુવા મરાઠી અભિનેતા સચિન ચાંદવડેએ ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. પચ્ચીસ વર્ષીય એક્ટર- સોફ્ટવેર એન્જિનિયર સચિને ઓનલાઇન ગેમિંગ અને શેર માર્કેટ ટ્રેડિંગમાં લગભગ રૃા. ૫૦ લાખ ગુમાવ્યા અને કરજ થઇ જતા ઘરમાં ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હોવાની શંકા છે.
મૃતક પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ આત્મહત્યા નુ ચોક્કસ કારણ જાણવા તેના પરિવારજનો સંબંધી, મિત્રો અને અન્યની પૂછપરછ કરી વધુ માહિતી મેળવી રહી છે. જળગાવના પારોળા તાલુકાના ઉંદિરખેડનો રહેવાસી સચિન ગણેશખ ચાંદ વડે (ઉં.વ. ૨૭) સોફ્ટવેર એન્જિનિયર હતો. પુણેના આઇટી પાર્કમાં નોકરી કરતો હતો તેને બાળપણથી જ અભિનયનો શોખ હતો તેણે જામતારા સીઝન- ટુમાં પણ ભૂમિકા ભજવી હતી.
સચિન અસુરવન નામની આગામી મરાઠી ફિલ્મમાં પણ જોવા મળશે. તેણે ગત અઠવાડિયે આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું આ ઉપરાંત તે ઢોલતાશા પથકમાં પણ સક્રિય હતો. ગણેશોત્સવ અને ગુડી પાડવાના ઘણા મરાઠી કલાકારો સાથે ઢોલ વગાડતા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આમ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા અભિનેતાના મોતથી વ્યાપક શોક ફેલાયો છે.
આ મામલે પારોળાપોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવ ામાં આવી છે. પારોળા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ડો. શરદ પાટીલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે મૃતક સચિનનો ભાઇ ડોક્ટર છે. તેણે ઘરના ઉપરના માળે પંખા સાથે ઓઢણીથી ગળાફાંસો ખાધો હતો. પરિવારને આ વાતની જાણ થતા જ તેને તાત્કાલિક નીચે ઉતાર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન સચિનનું મોત નિપજ્યું હતું.
સચિને ઓનલાઇન ગેમિંગઅને શેર માર્કેટ ટ્રેડિંગમાં લગભગ ૫૦ લાખ રૃપિયા ગુમાવ્યા હતા અને કરજ થઇ જતા પરિવારજનો સાથે ઝઘડો પણ થતો હોવાનું કહેવાય છે. તેણે મિત્ર પાસેથી પણ પૈસા લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ કદાચ તે આ તમામ બાબતને કારણે હતાશ હતો. એમ પોલીસ કોન્સ્ટેબલ પાટીલે વધુમાં કહ્યું હતું.
ઓનલાઇન ગેમિંગ અને શેર ટ્રેડિંગમાં આર્થિક નુકસાન થતા અગાઉ પણ અનેક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આથી પોલીસ લોકોને ઝડપથી પૈસા કમાવવા કોઇ ખોટા માર્ગે ન જવાની અપીલી કરી છે.

