Get The App

નકલી ડિગ્રી-માર્કશીટનો વેપલો કરતો જામનગરનો ઠગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
નકલી ડિગ્રી-માર્કશીટનો વેપલો કરતો જામનગરનો ઠગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો 1 - image

મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન તપાસ દરમિયાન ભાંડો ફૂટયો 

10 વર્ષથી રેકેટ ચલાવતા પ્રથમેશ મણિયારના મોબાઈલમાંથી નકલી ડિગ્રી-માર્કશીટો મળ્યાઃ યુવકોને વિદેશમાં નોકરીની લાલચે છેતરતો હતો 

મુંબઈ -  સહાર  પોલીસે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓના  બનાવટી માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો તથા વિદેશ નોકરી નામે યુવકોની છેતરપિંડીના આરોપસર જામનગરના રહેવાસી ૩૯ વર્ષીય પ્રથમેશ મણિયાર વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. 

વિગત મુજબ, પ્રથમેશ મણિયાર જામનગરના રણજિંત સિંહ રોડના રહેવાસી આરોપી બેંગકોકથી ચાર જાન્યુઆરીના રોજ મધ્યરાત્રીએ ૨.૩૦ વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. 

આ સમયે ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેણે ચકાસણી માટે પોતાનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ રજૂ કર્યો હતો. જો કે, જ્યારે તેની ઓળખ અને વ્યવસાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે સંતોષકારક જવાબો આપી શક્યો નહતો. તેથી વરિષ્ઠ ઈમિગ્રેશન અધિકારીઓએ  તેની સઘન તપાસ શરુ કરી હતી. આમાં જાણવા મળ્યું કે મણિયાર એક એજન્ટ  તરીકે કામ કરીને શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવવાનો દાવો કરતો હતો.

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે કથિત રીતે અનેક વિદ્યાર્થીઓને કોલેજો અને યુનિર્સિટીઓની નકલી માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રો પૂરા પાડયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મણિયાર છેલ્લા ૧૦ વર્ષથી છેતરપિંડીનું કામ ચલાવી રહ્યો હતો. તેણે યુવકોને વિદેશમાં નોકરી આપવાના નામે પણ છેતરપિંડી કરી હતી. 

વધુમાં આરોપી વિવિધ બેંક ખાતાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિ વિદ્યાર્થી  પર ૫૦ હજારથી બે લાખ સુધી વસૂલતો હતો. વધુમાં તે અન્ય એજન્ટોની મદદથી આ રેકેટ ચલાવતો હતો અને વિદ્યાર્થીઓ તથા યુવક પાસેથી મેળવેલા પૈસાનો એક ભાગ નવી દિલ્હી, રાજસ્થાન, ભોપાલ અને હરિયાણા સ્થિત સહયોગીઓ સાથે શેર કરતો હતો. 

વધુમાં  તેના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન ઈમિગ્રેશન અધિકારીઓને બનાવટી  દસ્તાવેજોની અનેક પીડીએફ નકલો પણ જપ્ત કરી હતી. જેમાં ગુજરાત બોર્ડની માર્કશીટ સહિત અનેક ડીગ્રી યુનિવર્સિટીના પ્રમાણપત્રો, ઉત્તર પ્રદેશ બોર્ડની માર્કશીટો, યુનિવર્સિટી માર્કશીટ અને અન્ય ઘણા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. 

આ તમામ ખુલાસા બાદ સહાર પોલીસે પ્રથમેશની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.