તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જેક્લિન સામે કાર્યલાહી રદ કરવાની ના પાડેલી
200 કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના આ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝ પોતાને પિડિત માને છે
ઠગ સુકેશ ચન્દ્રશેખરના ૨૦૦ કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના કેસમાં હિન્દી ફિલ્મની હિરોઇન જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અદાલતે જેક્લિનને જણાવ્યું હતું કે તેના માટે તેણે વિધિસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી -સમક્ષ અરજી કરવી પડશે.
જેક્લિન ફર્નાન્ડિઝે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાની વાતને તેના વકીલે પણ સમર્થન આપ્યું હતું. નિયમ અનુસાર પહેલાં તપાસ એજન્સી ઇડી તેનું નિવેદન નોધશે. એ પછી ઇડી નક્કી કરશે કે તેને સરકારી સાક્ષી બનાવવા માટે અદાલતમાં અરજી કરવી કે કેમ.નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જેક્લિન સામે ચાલી રહેલી તપાસની કાર્યવાહીને રદ કરવાની ના પાડી દીધી હતી.
જેક્લિન અને સુકેશનું નામ એકમેક સાથે લાંબા સમયથી જોડાયેલું છે. ૨૦૦ કરોડ રૃપિયાનો મની લોન્ડરિંગનો કેસ થયો તે પહેલાં તેમની તસવીરો વાઇરલ થઇ હતી. જેમાં બંને વચ્ચે સારા સબંધો હોવાનું જણાતું હતું. જ્યારે સુકેશ પર ઠગાઇ કરી નાણાં કમાવાનો આરોપ મુકવામાં આવ્યો ત્યારથી જેક્લિન પર પણ કાનુની સંકજો કસાવાનો શરૃ થયો હતો. ઇડીના જણાવ્યા અનુસાર સુકેશે જેક્લિનને જે મોંઘીદાટ ભેટો આપી હતી તે આ ગેરકાયદે કમાણીમાંથી ખરીદાઇ હતી. બીજી તરફ જેક્લિનનું કહેવું છે કે તેને સુકેશની અસલી ઓળખ અને તેના ગુનાઓની જાણ નહોતી. તે પોતે આ કેસમાં પોતાને પિડિત માને છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે અને હવે જેક્લિને તેમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
મની લોન્ડરિંગના આ કેસમાં સુકેશ ૨૦૧૭થી જેલમાં બંધ છે અને તેણે જેલમાં રહ્યે રહ્યે પણ જેક્લિનને લવ લેટર્સ લખ્યા હતા.


