Get The App

કાનૂની કાર્યવાહીમાં રહી ગયેલાં ગાબડાં પૂરવાનું કામ કોર્ટનું નથી

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
કાનૂની કાર્યવાહીમાં રહી ગયેલાં ગાબડાં પૂરવાનું કામ કોર્ટનું નથી 1 - image

મીરા રોડના માનવ તસ્કરી કેસમાં પાંચ આરોપી છૂટી ગયા

છટકું ગોઠવનાર અધિકારીની જ જુબાની ન લેવાઈઃ કહેવાતો ડમી ગ્રાહક જ કોર્ટમાં ફરી ગયો 

મુંબઈ  - ફરિયાદ પક્ષ દ્વારા મુખ્ય સાક્ષીઓ અને પીડિતોની જુબાની જ નહિ લેવાઈ હોવા જેવા અતિશય ગંભીર અને હાનિકારક છબરડાઓને કારણે થાણેની એક અદાલતમાં માનવ તસ્કરી તથા  હ્યુમન ટ્રાફિકિંગના પાંચ આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો હતો. એડિશનલ સેશન્સ જજ વસુધા એલ ભોસલેએ તેમના આદેશમાં કહ્યું હતું કે માનવ તસ્કરી ખરેખર બહુ મોટુું જોખમી દૂષણ છે પરંતુ અદાલત નબળી કાનૂની કાર્યવાહીમાં રહી ગયેલાં ગાબડાં પૂરી  શકે નહીં. 

ગત  ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાં આવેલી એક હોટલમાં પોલીસે દરોડો પાડી એક બાંગ્લાદેશની અને બીજી પશ્ચિમ બંગાળની એમ બે મહિલાઓને  જાતીય શોષણમાંથી બચાવી  હતી.

ન્યાયાધીશે અવલોકન કર્યું કે, આરોપીને પકડવા માટે છટકું ગોઠવનાર પોલીસ અધિકારી જેવા મહત્વપૂર્ણ સાક્ષીની પૂછપરછ ન કરવી એ ફરિયાદ પક્ષના કેસમાં ગંભીર અને હાનિકારક ખામી છે.

માનવ તસ્કરીના કેસમાં પીડિતોની જુબાની ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના અભાવે  ફરિયાદ પક્ષને ઉપલબ્ધ સીધા અને સહજ પુરાવાથી વંચિત રાખે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

ફરિયાદ પક્ષનો  સમગ્ર કેસ  એક બોગસ ગ્રાહકપર આધારિત હતો પરંતુ આ  બોગસ ગ્રાહકે જ એવી જુબાની આપી હતી કે પોતે આ દરોડામાં સામેલ જ ન હતો કે પોતે  રાજીખુશીથી સાક્ષી તરીકે કોઈ પંચનામા પર સહી કરી ન હતી.

તેમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે હોટલ માલિકો પર આરોપનામું દાખલ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ફક્ત નીચલા સ્તરના કર્મચારીઓ પર જ કેસ ચલાવવામાં આવ્યો હતો.

કોર્ટે આરોપીઓ ને જામીન બોન્ડ પર તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેમને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૦(૩) (માનવ તસ્કરી) અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.