'રોડવેથી પુણે પહોંચવા કરતાં ફ્લાઈટમાં ગોવા પહોંચવું વધુ ઝડપી'

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક વકર્યો
સોશિયલ મીડિયા પર મુસાફરોએ પોતાનો રોષ ઠાલવ્યો; ઘાટ રસ્તા પરથી પ્રવાસ ન કરવા મુસાફરોની અન્ય મુસાફરોને સલાહ
મુંબઈ - દિવાળીનું વેકેશન શરુ થતાં જ મુંબઈગરાં વેકેશન મનાવવા માટે મુંબઈ-પુણે તથા રત્નાગિરી, ગોવા તરફ ઉપડવા માંડયા છે. જેને લીધે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સમસ્યા વકરતી જોવા મળી છે. પુણે જનારા અને મુંબઈ તરફ આવનારા મુસાફરો શનિવારે ભારે ટ્રાફિકથી પરેશાન થતાં રોષે ભરાયાં હતાં અને સોશિયલ મીડિયા પર આ બાબતે પોતાનો રોષ ઠાલવી લોકોને ઘાટરસ્તો ન અપનાવવા સલાહ આપી હતી.
અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર આ બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને લોકોને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મુસાફરી ટાળવા જણાવ્યું હતું. મુખ્યત્વે ઘાટ વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.
જોકે આ બાબતે અનેક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં એક નેટિઝન્સે ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, સવારે ૪ વાગ્યે જાગી ગયો અને મેપમાં ઘાટ વિભાગ પર ભારે ટ્રાફિક જોયો. સવારે ૪.૩૦ પછી થાણેથી નીકળ્યો અને ખાલાપુર ટોલ પછી જુનો મુંબઈ-પુણે હાઈવે પકડયો. ત્યાંથી ઈટીએ ૪૫ મિનીટ ઘટી ગયો. કોઈ વિરામ લીધાં વિના સવારે ૮ વાગ્યા પહેલાં વિમાનનગર પાર કર્યું. તેના પર અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, 'ફ્લાઈટ દ્વારા ગોવા ઝડપથી પહોંચી શકાય છે.'
તો ઘણાં લોકોએ એવું પણ લખ્યું હતું કે, જો તમારે તહેવારની ખરેખરી મજા માણવી હોય તો ઘરે બેસીને તહેવાર ઉજવો. જો મુસાફરી કરશો તો તેમાં ફસાઈને અટવાઈ જશો અને તહેવારની મજા માણી શકાશે નહીં. આ સમસ્યા એકલ-દોકલ બનતી નથી. પરંતુ દર શનિ-રવિ કે નાનકડાં વેકેશનમાં પણ આ સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે તેનો ઉકેલ લાવવો એ હવે પ્રશાસન માટે મહત્ત્વનો મુદ્દો બની ગયું છે અને પ્રશાસન તે માટે પ્રયાસો પણ કરી રહ્યું હોવાની માહિતી મળી છે. પરંતુ આ ટ્રાફિકમાંથી ક્યારે રાહત મળે તે હજી નક્કી નથી.








