એટીએમમાં સનમાઈકા તો નથી ને ? બેન્કોને ચેક કરવા સૂચના
પોલીસ વિભાગે બેન્કોને પત્ર લખીને સાવધ કરી
કેશ ટ્રેમાં સનમાઈકા નાખતાં રોકડ આવતાં અટકી જાય, ગ્રાહક પાછો જતો રહે પછી તે ઉઠાવી લેતો ગઠિયો ઝડપાયો
મુંબઈ : એટીએમમાંથી લૂંટ ચલાવવા અવનવી ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ૨૬ વર્ષીય એક વ્યક્તિએ એટીએમમાંથી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. પવનકુમાર પાસવાન નામના આ ઠગને ચોરી કરતા રંગે હાથ પકડવામાં આવ્યો હતો.
દિંડોશી પોલીસે આપેલી માહિતી મુજબ એટીએમમાંથી રોકડ તફડાવવા આ ઠગે નવો જ કીમિયો અજમાવ્યો હતો. બેન્કનો ગ્રાહક કિયોસ્કમાં દાખલ થાય તેના અગાઉ પાસવાન રોકડ ડિસ્પેન્સર સ્લોટને સનમાઈકા સ્ટ્રીપથી ઢાંકીને ગુંદરથી ચોંટાડી દેતો હતો. પછી તે ગ્રાહકના બહાર નીકળવાની રાહ જોતો. રોકડ રકમ કાઢવા આવેલો ગ્રાહક તેની રકમ સનમાઈકા સ્ટ્રીપથી અટકી ગઈ હોવાની બાબતથી અજાણ પૈસાની રાહ જોતો પણ રકમ ન મળતા એટીએમનો ટેકનીકલ ફોલ્ટ માનીને જતો રહેતો. પછી પાસવાન કિયોસ્કમાં દાખલ થઈને સનમાઈકા સ્ટ્રીપ હટાવીને રોકડ રકમ મેળવી લેતો.
પોલીસને શક છે કે પાસવાને અન્ય એટીએમમાં પણ આવા કરતૂત કર્યા હોવા જોઈએ. આથી જ પોલીસ વિભાગે બેન્કો પાસે આવો અનુભવ થયો હોય તેવા ગ્રાહકોની માહિતી માગી છે જેથી આ કૌભાંડ કેટલું છે તે જાણી શકાય.
૪થી જાન્યુઆરીએ પાસવાનને રંગે હાથ પકડનાર બીટ માર્શલનું તેની ચપળ કામગીરી બદલ જોઈન્ટ કમિશનરે સન્માન કર્યું હતું.
અગાઉ એટીએમમાં ઠગો રોકડ રકમ નીકળવાની તૈયારી હોય ત્યારે પાવર સ્વિચ ઓફ કરી દેતા. તેઓ સ્લોટમાંથી નોટ કાઢીને પછી મશીન ખરાબ હોવાથી તેમને રકમ ન મળી હોવાની બેન્કમાં ફરિયાદ કરીને રિફન્ડ મેળવતા.