યુદ્ધ કોઈ રોમેન્ટિક બોલીવૂડ ફિલ્મ નથીઃ ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણે
વિવાદોનો ઉકેલ યુદ્ધ નહિ, સંવાદ છે
નરવણેએ સૈન્યને શક્તિશાળી બનાવવાની સલાહ આપી જેથી શત્રુ યુદ્ધ કરવાની હિંમત ન કરી શકે
મુંબઈ - ભારતના ભૂતપૂર્વ સૈન્ય વડા જનરલ મનોજ નરવણેએ પાકિસ્તાન સાથે યુદ્ધની વકાલત કરી રહેલા લોકોની ટીકા કરતા જણાવ્યું કે યુદ્ધ બોલીવૂડની રોમેન્ટિક ફિલ્મ નથી. પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે સશસ્ત્ર અથડામણની વિનાશક માનવીય અને સામાજિક કિંમત પર પ્રકાશ પાડયો હતો અને વિવાદો ઉકેલવામાં મુત્સદીગીરીને પ્રાથમિકતા આપવા પર ભાર મુક્યો હતો.
જનરલ નરવણેએ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન તેમજ પીઓકેમાં આતંકી માળખા પર હુમલા સહિત તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં આખરે લશ્કરી હુમલાઓ સમાપ્ત કરવામાં આવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે આ ઔપચારિક યુદ્ધવિરામ નહોતું પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. તેમણે જનતાને ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખવાની અપીલ કરી.
તેમણે કબૂલ કર્યું કે યુદ્ધ ચાલુ ન રહેતા લોકો હતાશ થયા હતા, પણ હિંસાને મહિમા આપવા સામે ચેતવણી આપી. નરવણેએ જણાવ્યું કે યુદ્ધ એક ગંભીર બાબત છે જેમાં માનસિક પીડા, નિર્દોષોના મોત અને પરિવારો પર લાંબા ગાળાની અસર થાય છે. તેમણે જણાવ્યું કે આવો વિનાશ સરહદો અને પેઢીઓ પાર કરે છે.
નરવણેએ સર્જિકલ સ્ટ્રાઈકનો વ્યૂહાત્મક પગલા તરીકે બચાવ કર્યો જેણે પાકિસ્તાનને ઉશ્કેરણીની ભારે કિંમતની જાણ કરાવી જેના પરિણામે તેણે વાટાઘાટ માટે તૈયાર થવું પડયું. છતાં, નરવણેએ જણાવ્યું કે હિંસા હંમેશા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ અને વિવાદોનો ઉકેલ સંવાદ દ્વારા જ થવો જોઈએ, પછી તે અંગત હોય કે રાષ્ટ્રીય હોય.
રાષ્ટ્રીય સુરક્ષા ખર્ચ વિશે તેમણે સંરક્ષણને બજેટને ૧૫ ટકા ફાળવણીને યોગ્ય ઠરાવી હતી અને તેની સરખામણી રાષ્ટ્રીય તૈયારી માટે જરૃરી વીમા પ્રીમિયમ સાથે કરી હતી. નરવણેએ જણાવ્યું કે એક સક્ષમ સેના યુદ્ધ શરૃ થવા અગાઉ તેને અટકાવે છે અને યુદ્ધના સ્થાને શક્તિ તેમજ તૈયારી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.