ઘર પાસે જ ઈરાનની મિસાઈલ ત્રાટકી, એવું લાગ્યું કે આજે નહિ જ બચીએ

ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ
વારંવાર એલર્ટ આવે છે અને બન્કરમાં જતા રહેવું પડે છે, ઓફિસો, મોલ બધું જ બંધ , કર્ફ્યુ જેવું વાતાવરણ
મુંબઈ - ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ ઠંડુ પડે તે પહેલાં ઈરાન સાથેનો નવો મોરચો ખુલી જતાં ઈઝરાયેલમાં રહેતા મૂળ ગુજરાતીઓમાં ડર વધ્યો છે. ઈરાનના મિસાઈલો ઈઝરાયેલનાં શહેરો પર ત્રાટકી રહ્યાં છે. હાલ આ શહેરોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ છે. ઘર પાસે જ મિસાઈલો પડી રહી હોવાથી તેમને મોતનો ડર સતત સતાવી રહ્યો છે.
ઇઝરાયલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. અમુક વિદ્યાર્થીઓ કામ અર્થે તો અમુક ગુજરાતીઓ છેલ્લા અનેક વર્ષોથી સ્થાયી થયા છે. આ ગુજરાતીઓ યુદ્ધના વાતાવરણ વચ્ચે ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર કાઉન્સીલના ઈઝરાયેલ ખાતેના પ્રતિનિધિ જીવાભાઈ મુળીયાસીયાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ૨૦૨૩ની સાતમી ઓક્ટોબરથી ગાઝા સાથે યુદ્ધ શરુ થયું ત્યારથી ઈઝરાયેલમાં નાગરિકો સામાન્ય જીવન માણી શકતા નથી. ગાઝા દ્વારા થયેલા હુમલાની તીવ્રતા ઓછી હતી પરંતુ ઈરાનના હુમલાની તીવ્રતા વધારે છે. ઈરાન ડાયરેક્ટ ઈઝરાયેલનાં જ મુખ્ય શહેરોને ટાર્ગેટ કરી રહ્યું છે. તેથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. સુરક્ષાની દ્રષ્ટિ કોણે અહીંની સ્કૂલો, કોલેજો, શોપિંગ મોલ, ઓફિસો બંધ કરવામાં આવી છે. રસ્તાઓ સુમસામ ખાલી પડયા છે. અનિવાર્ય કામ વગર કોઈને જ બહાર નીકળવા દેવામાં આવતાં નથી અને કર્ફ્યૂ જેવા હાલત જોવા મળી રહ્યા છે. પચાસ હજારથી વધારે ઇઝરાયલના નાગરિકો બહાર છે જેઓ કામ અર્થે અથવા ફરવા ગયા છે. પરંતુ, હાલમાં યુદ્ધના કારણે બહાર અટવાયેલા છે.
તેમણે જણાવ્યું હતું કે અમે તેલ અવીવના એક ભાગમા ભારે ડર વચ્ચે દિવસો પસાર કરીએ છીએ. અમારા ઘરની આસપાસ ફક્ત ૪૦૦ મીટરની દૂરી પર જ મિસાઈલ પડી હતી. જેમાં આઠ લોકોના મુત્યુ થયા હતા. મિસાઈલ પડી ત્યારે અમારી આખી બિલ્ડિંગ ધૂ્રજી ઉઠી હતી. અમને એમ થયું કે અમારા માથે જ મિસાઈલ ત્રાટકી છે અને અમે હવે નહીં બચીએ. દિવસ રાત ક્યારેય પણ એટેક થતો હોવાથી અમને મેસેજ આવે કે તરત જ બંકરમાં ભાગીને જઈએ છીએ. અટેક થાય એ પહેલાં અમને મોબાઈલ પર એલર્ટ આવે છે અને પછી સાયરન પણ વાગે છે. બંકરમાં વારવાર જવું પડે છે . હવે ક્યારે ફરી નોર્મલ લાઈફ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ.








