ક્રિકેટ બોર્ડના ગાર્ડ દ્વારા આઈપીએલની જર્સીઓનો ચોરી

ઓનલાઈન જુગારમાં હારી ગયો હોવાથી ચોરી કરી
સ્ટોક ક્લિયરન્સ છે તેમ કહી હરિયાણાના ડીલરને ઓનલાઈન વેચી પણ દીધીઃ ઓડિટ વખતે પર્દાફાશ
મુંબઈ - ચર્ચગેટસ્થિત વાનખેડે સ્ટેડિયમમાં આવેલ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)નીમાંથી આઈપીએલની જર્સીથી ભરેલું કાર્ટન ચોરી કરી જનાર એક સુરક્ષા ગાર્ડની પોલીસે ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ ઓનલાઇન જુગારની લતમાં ૬.૫૨ લાખ રુપિયાની કિંમતની ૨૬૧ જર્સીની ચોરી કરી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ૧૩ જૂનના રોજ આ જર્સીઓ ચોરાઈ ગઈ હતી. પરંતુ તાજેતરમાં એક ઓડિટ દરમિયાન આ ચોરીનો ખુલાસો થયો જેમાં સ્ટોક ગાયબ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બીસીસીઆઇના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં સુરક્ષા ગાર્ડ કાર્ડ બોક્સ લઈ જતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ૧૭ જુલાઈના બીસીસીઆઇના એક અધિકારીએ મરીન ડ્રાઇવ પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે ગાર્ડ ફારૃક અસલમ ખાનની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોનુસાર મીરા રોડમાં રહેતા ગાર્ડ આ જર્સીઓ હરિયાણાના એક ઓનલાઇન ડીલરને વેચી હતી. જેની સાથે તેનો સોશિયલ મીડિયામાં સંપર્ક થયો હતો. ખાને હરિયાણાની વ્યક્તિને જણાવ્યું હતું કે તેની ઓફિસમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી આ સ્ટોક કાઢવાનો છે. ગાર્ડનો દાવો છે કે તેણે ઓનલાઇન ડીલર સાથે સોદાબાજી કરી હતી. પરંતુ તેણે હજુ સ્પષ્ટ કર્યું નથી કે તેને આ સોદા માટે કેટલા રૃપિયા મળ્યા હતા. જ્યારે પોલીસે હરિયાણાના ડીલરને તપાસ માટે બોલાવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તેને આ જર્સીઓ ચોરીની છે તે બાબતની કોઈ જાણ નહોતી.
ગાર્ડને ઓનલાઇન ડીલર પાસેથી જર્સીનો વેચાણના પૈસા તેના બેંક ખાતામાં ઓનલાઇન મળ્યા હતા. ગાર્ડે દાવો કર્યો હતો કે તે આ રકમ ઓનલાઇન જુગારમાં હારી ગયો હતો. પોલીસ તેના દાવાની ચકાસણી કરવા હાલ તેના બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે. આ બાબતે એવું જાણવા મળ્યું હતું કે આ જર્સીઓ અલગ અલગ ક્રિકેટ ટીમોની હતી. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ખેલાડીઓ માટે હતી કે સામાન્ય લોકો માટે હતી.








