પુણેના ઉચ્ચ શિક્ષિત 36 રોકાણકારો સાથે 8.54 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ

ઈન્વોઈસ ડિસ્કાઉન્ટિંગમાં ૧૨ ટકા વ્યાજની લાલચ
વ્યાજ મળતું બંધ થતાં હૈદરાબાદ તપાસ કરી તો કંપની બંધ હોવાની તથા ત્યાં પણ અન્ય ગુના નોંધાયાની પણ ખબર પડી
મુંબઈ - પુણેમાં હૈદ્રાબાદની એક કંપનીએ ઈન્વોઈસ ડિસ્કાઉટિંગ પ્લેટફોર્મ ચલાવવાના નામે માસિક ૧૧ થી ૧૨ ટકા વ્યાજની લાલચ આપી ૩૬ વ્યક્તિ સાથે ૮.૫૪ કરોડ રૃપિયાની છિતરપિંડી આચરી હતી. આ બાબતે છેતરપિંડીનો ભોગ બનેલા એક ડોક્ટરે પુણેના માર્કેટયાર્ડ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ફાલ્કન ગુ્રપ ઓફ કેપિટલ પ્રોટેક્શન ફોર્સ નામની એક કંપનીના એમડી અને કંપનીના અન્ય અધિકારીઓ પર મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ડિપોઝીર્ટ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. આ કંપનીમાં રોકાણ કરનાર મોટા ભાગના લોકોમાં ડૉક્ટર, આઈ.ટી. એન્જિનિયર જેવા ઉચ્ચ શિક્ષિત લોકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
આ સંદર્ભે ડૉક્ટરની ફરિયાદ મુજબ આ પ્રકાર વર્ષ ૨૦૨૨થી ચાલતો હતો. રોકાણકારોમાં મુખ્યત્વે પુણેના કલ્યાણી નગર, રહાટણી, પિંપળે-નિલાપ, પિંપળે સૌદાગર, વાઘોલી, માંજરી, હડપસર, પાષાણા ટિંગરેનગર વિસ્તારમાં રહેતા લોકો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.
ફરિયાદી ડૉક્ટરે જણાવ્યું હતું કે ફાલ્કન ગુ્રપની માહિતી તેમના એક સંબંધીએ આપી હતી.આ કંપનીને મોટી કંપનીઓના વેન્ડરોના ઈન્વોઈસ ડિસ્કાઉન્ટિંગ માટે નાણાની જરૃર હોવાથી તે માટે તેને પૈસાની જરૃર હોવાથી રોકાણ કરવા ઈચ્છુકોને માસિક ૧૧ થી ૨૨ ટકા વ્યાજ આપતા હોવાની જાણ થઈ હતી. ફરિયાદી ડૉક્ટરે ત્યારબાદ વેબસાઈટ પરથી કંપનીની વિગતો મેળવી ફાલ્કન ગુ્રપમાં ૧૧ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું.
શરૃઆતમાં કંપનીએ ફરિયાદી ડૉક્ટરને વ્યાજની રકમ રેગ્યુલર આપી હતી. જો કે ત્યારબાદ વ્યાજની રકમ મળથા બંધ થઈ જતા તેમણે સંબંધિત કંપનીનો સંપર્ક કરતા ત્રણ મહિનામાં તમારી તમામ રકમ તમને પાછી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ પણ તેમને પૈસા પાછા ન મળતા તેઓ હૈદ્રાબાદ કંપનીની ઓફિસમાં પહોંચી ગયા હતા. આ સમયે તેમને કંપનની ઓફિસ બંધ જણાઈ હતી અને કંપનીના મુખ્ય અધિકારીઓ સામે સાયરાબાદ આર્થિક ગુના શાખામાં ગુનો નોઁધાયો હોવાની જાણ થઈ હતી.
પુણે આવ્યા બાદ તેમણે પુણેની આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરી હતી. આ સમયે ફરિયાદી સહિત અન્ય ૩૫ વ્યક્તિઓ સાથે ૮.૫૪ કરોડ રૃપિયાની છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બાબતે પુણે પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે.








