મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે 7 તબીબો સામે તપાસ ચાલુ કરી
આ પરીક્ષા પાસ કર્યા વિના દેશમાં પ્રેક્ટિસની મંજૂરી નથી ઃ કેટલાક ડોક્ટરોએ પોતે પ્રેક્ટિસ કરતા હોવાનું નકાર્યું
મુંબઈ - વિદેશી યુનિવર્સિટીઓમાંથી એમબીબીએસ અને એમડીની ડિગ્રી મેળવ્યા બાદ ફરજિયાત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (એફએમજીઈ)પાસ કર્યા વગર કથિત રીતે પ્રેક્ટિસ કરતા રાજ્યના સાત ડૉક્ટરો સામે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી)એ તપાસ શરૃ કરી છે. આ બાબતે એમએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલીવાર છે કે અમે આવી તપાસ કરી રહ્યા છીએ કારણકે અમે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા હકીકતો જાણવા માંગીએ છીએ. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે સાત આરોપી ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાંથી કેટલાકે દાવો કર્યો હતો કે તેઓ કોઈ પ્રેક્ટિસ કરતા નથી.
ડિસેમ્બર, ૨૦૨૨માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા વિદેશી યુનિવર્સિટીઓમાંથી ભણી આવેલા ૭૩ મેડિક્લ સ્નાતકો સામે એફએમજીઈ પરીક્ષા પાસ ન કરવા છતાં સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવવા બદલ કેસ દાખલ કર્યો હતો. જેમાં આ સાતેય ડૉક્ટરોનો પણ સમાવેશ થતો હતો. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશો બાદ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ઓક્ટોબર ૨૦૨૫માં એડવોકેટ અને કાર્યકર્તા તુષાર ભોસલેએ એમએમસીમાં એવી ફરિયાદ કરી હતી કે એફઆઈઆર નોંધાયાના ત્રણ વર્ષ પછી પણ તમામ સાતેય ડૉક્ટર એમએમસી પોર્ટલ પર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર તરીકે દેખાતા હતા. ફરિયાદમાં નોંધાયું છે કે મોટા ભાગના ડૉક્ટરો મહારાષ્ટ્રમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જેમા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ઈએસઆઈસી) સાથે સંકળાયેલા મેડિક્લ પ્રેક્ટિશનરનો પણ સમાવેશ થાય છે. આ ભૂલ માટે જવાબદાર એમએમસીના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે જવાબમાં એમએમસીએ દાવો કર્યો હતો કે કથિત ગેરરીતિઓ અંગે તપાસ શરૃ કરવામાં આવી છે અને તારણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે સ્પષ્ટતા આપતા એમએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો અમને ખબર પડશે કે આરોપી ડૉક્ટરોએ ખોટા એફએમજીઈ પ્રમાણપત્રો રજૂ કર્યા છે તો અમે તેમનું રજિસ્ટ્રેશન સ્થગિત કરીશું. જો કે કાર્યકર્તાઓએ છેલ્લા ત્રણ વર્ષથી આરોપી ડૉક્ટરો સામે કાર્યવાહીના અભાવ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મહારાષ્ટ્ર ભૂતપૂર્વ પ્રમુખ કદમે જણાવ્યું હતું કે વિદેશી યુનિવર્સિટીમાં ભણેલા ડૉક્ટરો જ્યાં સુધી એફએમજી પરીક્ષા પાસ ન થાય ત્યાં સુધી દેશમાં પ્રેક્ટિસ કરવા ગેરકાયદે ગણાય છે.


