વીમ કંપનીના મેનેજર દ્વારા સહકર્મી યુવતીઓ પર બળાત્કારઃ પત્નીએ વિડીયો ઉતાર્યા

સેક્સટોર્શન રેકેટ ચલાવતાં યુગલમાંથી પતિ ઝડપાયો, પત્ની ફરાર થઈ
એક પીડિતાના નામે પર્સનલ લોન તથા કાર લોન લીધી, દાગીના પણ પડાવી લીધાં ઃ રિકવરી એજન્ટોના ફોન આવતાં પીડિતાને પતિને જાણ થઈ
અંધેરી બ્રાન્ચના મેનેજર પ્રદીપ નરળે દ્વારા અનેક યુવતીઓનું શોષણઃ મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, પુણે, કોલ્હાપુરમાં પણ ગુના દાખલ
મુંબઈ - પનવેલનું એક યુગલ કોર્પોરેટ ખાનગી વીમા કંપનીની મહિલા કર્મચારીઓને સેક્સ રેક્ેટમાં ફસાવ્યા બાદ સેક્સોટર્શન અને લોન ફ્રોડ આચરતું હોવાનું બહાર આવ્યું છે. મૂળ નાગપુરની મહિલાએ કરેલી ફરિયાદ બાદ આ કપલના કરતૂતોનો પર્દાફાશ થતાં પોલીસે વીમા કંપનીના મેનેજર પ્રદીપ નરળેની ધરપકડ કરી હતી. જ્યારે તેની પત્ની રેણુકા ફરાર થઈ ગઈ છે. આરોપી પ્રદીપ સામે નવી મુંબઈ, કોલ્હાપુર, પુણે સહિતનાં સ્થળોએ પણ બળાત્કાર, ધાકધમકી, છેતરપિંડીના ગુના દાખલ થયેલા હોવાનું કહેવાય છે.
પ્રદીપ નરળે વીમા કંપનીની અંધેરી બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તે કંપનીની જ મહિલા કર્મચારીઓને ફસાવતો હતો. તેમને બેભાન કરવાની દવા આપી તેમના પર બળાત્કાર ગુજારતો હતો. પત્ની રેણુકા આ બળાત્કારનું વિડીયો રેકોર્ડિંગ કરતી હતી. બાદમાં બંને પીડિતાઓને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવતા હતા અને લોન ફ્રોડ આચરતા હતા.
પ્રદીપ અને રેણુકાએ એક પીડિતાના નામે પર્સનલ લોન અને કાર લોન પણ લઈ લીધી હતી. આ પીડિતાના પતિને લોન રિકવરી એજન્ટસના ફોન આવવા શરુ થતાં તે ચોંકી ગયો હતો. તેણે તપાસ કરી ત્યારે આ દંપતીની સમગ્ર કરતૂતની જાણ થઈ હતી. આખરે ગત વર્ષે નવેમ્બર માસમાં તેણે આ દંપતી વિરુદ્ધ અંધેરી ેએમઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પતિએ હિંમત બંધાવ્યા બાદ પત્ની ફરિયાદ આપવા માટે તૈયાર થઈ હતી. આ પીડિતાના નામે ૨૦ લાખ રુપિયાની લોન લેવાઈ હતી. તેની પાસેથી એટલી જ રકમના દાગીના પણ પડાવી લેવાયાં હતાં. પીડિતાના જણાવ્યા અનુસાર તેઓ હજુ પણ આ લોનના હપ્તા ભરી રહ્યા છે.
પનવેલ પોલીસ મથકમાં આ દંપતી સામે નોંધાયેલી અન્ય એક ફરિયાદ મુજબ કંપનીની નાગપુર બ્રાન્ચની મહિલા કર્મચારીનો ઓનલાઈન પરિચય પ્રદીપ સાથે થયો હતો. બાદમાં તેમની ઓળખાણ અંગત સંબંધમાં ફેરવાઇ ગઇ હતી. મુંબઇમાં કામથી આવેલી પીડિતાને આરોપી પ્રદીપે પોતાના પનવેલના ઘરે બોલાવી હતી. જ્યાં મહેમાનગતિના બહાને પીરસેલા ભોજનમાં બેભાન થવાની દવા ભેળવી દીધી હતી ત્યારે આરોપી પ્રદીપે તેના પર બળાત્કાર ગૂજાર્યોહતો.
્પ્રદીપની પત્ની રેણુકાએ આ કૃત્યનો પણ વિડીયો ઉતાર્યો હતો. આરોપી દંપતીએ પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવી એનો ઉપયોગ તેને ધમકી આપવા અને ખંડણી પેટે મોટી રકમ પડાવવા કર્યો હતો.
આરોપીઓની ધમકીથી કંટાળીને મહિલાએ છેવટે પનવેલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રદીપની ધરપકડ તેના વતન કાનપુરથી થઈ છે. તેની પત્ની રેણુકા ફરાર થઈ ગઈ હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદીપ સામે કોલ્હાપુર, સાંગલી, નવી મુંબઈ, પુણે સહિતનાં સ્થળોએ બળાત્કાર, છેતરપિંડી, ધાકધમકી, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતના ગુના દાખલ થયેલા છે.

