Mumbai

શિયાળામાં શાક સસ્તું થવાને બદલે ભાવમાં 30 ટકાનો વધારો

By GS TEAM
19 Nov 20251 min read
શિયાળામાં શાક સસ્તું થવાને બદલે ભાવમાં 30 ટકાનો વધારો

અતિવૃષ્ટિને લીધે ઉત્પાદન ઘટયું

ગુવાર 160 અને કારેલા 120 રૃપિયે કિલો, ટમેટાના ભાવમાં લાલચોળ વધારો

મુંબઈ -  શિયાળામાં શાકભાજીની આવકમાં ભરપૂર વધારો થાય ત્યારે ભાવ ઘટવા માંડે છે. પરંતુ આ વખતે આવક ઘટતા ભાવ વધવા માંડયા છે. શિયાળાની શરૃઆત થતાની સાથે જ શાકની કિંમતમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે.

નવી મુંબઈની એપીએમસી જથ્થાબંધ ભાજીપાલા માર્કેટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે  અતિવૃષ્ટિને લીધે તેમ જ ચોમાસાની  વિદાય પછી પણ ચાલુ રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી ધોવાઈ ગયા હતા. આને લીધે મહારાષ્ટ્રના નાસિક, નારાયણગાંવ સહિતના શાક ઉત્પાદક મથકોમાંથી શાકની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે. આવકની સામે વધેલી માંગને કારણે કિંમત વધવા માંડી છે. શાકની અછતની સ્થિતિનો લાભ લઈ રિટેલરો અનેકગણો નફો ચડાવી શાક વેંચવા માંડે છે.

દાદર સહિત ઉપનગરોની માર્કેટોમાં ગુવાર ૧૬૦ રૃપિયે, વટાણા-કારેલા ૧૨૦-૧૩૦ રૃપિયે વેંચાય છે. જ્યારે હજી થોડા દિવસ પહેલાં ૨૦ રૃપિયે કિલો વેંચાતા ટમેટાનો ભાવ ૮૦ રૃપિયા સુધી પહોંચી ગયો છે.  ફણસી, ભિંડા, રિંગણા, સિમલા મરચા ૮૦ રૃપિયે કિલો છે.

શાકભાજીના ભાવ થોડા દિવસમાં નીચા આવશે એમ હોલસેલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું.