ટાટા કન્સલ્ટિંગ એન્જનિયિર્સ સામેની સીબીઆઈની તપાસ પર મનાઈ હુકમ
રૃ.૮૦૦ કરોડના કૌભાંડ સંબંધે હાઈકોર્ટનો આદેશ
કોના કહેવાથી એફઆઈઆર નોંધાઈ એનો ખુલાસો કરવા સરકારી વકીલને હાઈકોર્ટની સૂચના
મુંબઈ - જવાહરલાલ નેહરુપોર્ટ ઓથોરિટી (જેએનપીએ)ના પ્રોજેક્ટમાં રૃ.૮૦૦ કરોડના કૌભાંડ સંબંધી સીબીઆઈએ નોંધેલા કેસમાં ટાટા કન્સલ્ટિંગ એન્જિનીયર્સ સામે તપાસ પર બોમ્બે હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે.
તપાસ અને જપ્તીના મેમોમાં ગંભીર ક્ષતિની નોંધ કરીને કોર્ટે તપાસ સ્થગિત કરાવી છે. જેએનપીએ અને મુંબઈ પોર્ટ વચ્ચે વહેંચાયેલી નેવિગેશનલ ચેનલને પહોળી કરીને મોટા કાર્ગો જહાજને સમાવવા માટેના ૨૦૦૩ના પ્રોજેક્ટ સંબંધી કેસ છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર ફેઝ વનમાં ૩૬૫.૯૦ કરોડ અને ફેઝ ટુમાં ૪૩૮ કરોડનુ ઓવરપેમેન્ટ કરાયું હતું જે પ્રોજેક્ટ ડેટામાં ચેડાં કરવાને આધારે કરાયું હતું. મુંબઈ અને ચેન્નાઈમાં અનેક જગ્યાએ રેડ પાડીને ટેક્નિકલ ડોક્યુમેન્ટ્સ, ડિજિટલ ઈવિડન્સ અને શંકાસ્પદ રોકાણના રેકોર્ડ જપ્ત કરાયા છે જે આ પ્રોજેક્ટમાં સંકળાયેલા સરકારી અધિકારીઆ સંબંધી હોવાનું કહેવાય છે.
ટીસીઈએ હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની કોઈ ભૂમિકા નહોવાનું અને માત્ર કન્સલ્ટન્સી સુધી સિમિત હોવાની દલીલ કરીને એફઆઈઆર રદ કરવાની દાદ માગી હતી.
કોર્ટને નિરીક્ષણ કર્યું હતું કે સીબીઆઈ તપાસ દરમ્યાન જપ્ત ઉપકરણોમાં ટીસીઈના પ્રોજેક્ટ મેનેજર દેવદૂત બોઝના લેપટોપનો પાસવર્ડ જાહેર કરાયો હતો. કોર્ટ સીબીઆઈને સવાલ કર્યો હતો કે તમે કોઈનો પાસવર્ડ જાહેર કઈ રીતે કરી શકો કાયદાથી વિપરીત છે. આ સંવેદનશીલ બાબત છે અને ચેડાં થઈ શકે છે. મુક્તિ માટેનું આ જ જરૃરી કારણો છે. સ્પર્ધકને મદદ કરવાના બદઈરાદે પાસવર્ડ જાહેર કરાયો હોઈ શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટ બે સપ્તાહ બાદ અરજીની સુનાવણી કરશે. દરમ્યાન સીબીઆઈના વકીલને એફઆઈઆરની વિગતો પર સૂચના મેળવવા જણાવ્યું છે જેમાં કોના કહેવાથી એફઆઈઆર નોંધાઈ છે અને આરોપો કરાયા છે એની પણ માહિતી મગાવી છે.