38 કરોડની નકલી બેન્ક ગેરન્ટી આપી ઈન્ફ્રા કંપની સાથે છેતરપિંડી
ચાર કોપ પોલીસે દ્વારા ચાર ભેજાબાજની ધરપકડ
રેલવેનો ટેન્ડર મેળવનારી કંપનીને ૪.૫ કરોડના કમિશનમાં ગેરન્ટીનું વચન આપ્યું ઃ બેન્કમાં જઈ તપાસ કરતાં દસ્તાવેજો નકલી હોવાની જાણ થઈ
મુંબઈ - બેંગ્લોર રેલવે ટેન્ડરમાં રૃા.૩૮ કરોડની નકલી બેન્ક ગેરંટી આપીને ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ચાર શખસની ચારકોપ પોલીસે ધરપકડ કરી છે. આરોપીમાં આશિષકુમાર સિંહ, હરિચંદ્ર તિવારી, હેમંત જોશી, એમ ડિસોઝાનો સમાવેશ છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ જય દોશી અને બ્રિજેશ ભુટ્ટા સહિત અન્ય લોકો સાથે મળીને ખાનગી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને છેતરવાનું કાવતરું ઘડયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ રેલવે પ્રોજેક્ટ માટે બેન્ક ગેરંટીની વ્યવસ્થા કરવાના બહાને કંપની પાસેથી લીધેલા રૃા.૪.૩૨ કરોડની ઉચાપત કરી હતી.
કંપનીના જનસંપર્ક અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. સરકારી કોન્ટ્રાક્ટમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતી કંપનીએ તાજેતરમાં બેંગ્લોર રેલવે ક્રોસ-લાઇન પ્રોજેક્ટ મેળવ્યો હતો. જેના માટે રૃા.૩૪ કરોડની બેન્ક ગેરંટીની જરૃર હતી. જોકે કંપનીએ ખાનગી બેન્કમાં તેની બેન્ક ગેરંટી મર્યાદા પહેલાથી જ પૂર્ણ કરી દીધી હતી.
કંપનીના સલાહકાર સુરેશ એચ.નો પરિચય જય દોશી સાથે થયો હતો. તેણે દાવો કર્યો કે તે જરૃરી બેન્ક ગેરંટીની વ્યવસ્થા કરી શકે છે. દોશીએ રૃા.૪.૫ કરોડનું કમિશન માંગ્યું અને ખાતરી આપી કે તેમના સહ્યોગી બ્રિજેશ ભુટ્ટા પુણે સ્થિત બેન્ક દ્વારા બેન્ક ગેરંટીની વ્યવસ્થા કરશે. જૂન અને ઓગસ્ટ, ૨૦૨૫ વચ્ચે કંપનીએ દોશીને તબક્કાવાર રૃા.૪.૩૨ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
ત્યાર બાદ દોશી અને ભુટ્ટાએ મીરા રોડ પુણેની બેન્કો દ્વારા જારી કરાયેલી રૃા.૨૩.૬૬ કરોડ અને રૃા.૧૪.૯૫ કરોડના મૂલ્યના બેન્ક ગેરંટી દર્શાવતા દસ્તાવેજો સોંપ્યા હતા આ દસ્તાવેજો પર બેન્ક અધિકારીઓની સહીઓ અને સીલ હતા.
જોકે કંપનીના કર્મચારીઓને શંકા ગઇ હતી તેમણે બેન્ક સાથે આ દસ્તાવેજો બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે બંને બેન્કના મેનેજરોએ આવી ગેરંટી આપી હોવાની ના પાડી હતી પછી દસ્તાવેજો બનાવટી હોવાનું માલૂમ પડયું હતું.
છેવટે દેસાઇની ફરિયાદને આધારે ચારકોપ પોલેસે કેસ દાખલ કર્યો હતો. એફઆઇઆર બાદ પોલીસે મુલુંડથી સિંહ ઉત્તર પ્રદેશથી તિવારી મલાડથી જોશી અને બાંદરાથી ડિસોઝાની ધરપકડ કરી હતીં. આરોપી જય અને બ્રિજેશ ફરાર છે.