પંજાબના ધો. ૭ સુધી ભણેલા યુવકનું પરાક્રમ
17 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલાને અભદ્ર કોમેન્ટ મલતાં તપાસ કરીઃફેક પ્રોફાઈલ્સ શોધતાં શોધતાં ખુદ પોલીસ થાકી ગઈ
મુંબઇ - શહેરની એક મહિલા ઇન્ફ્લુએન્સરના મોર્ફ કરેલા નગ્ન ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપસર થાણે પોલીસે પંજાબથી એક ૨૧ વર્ષના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ આ માટે મહિલા ઇન્ફ્લુએન્સરની ૧૦૦થી વધુ ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલબનાવી હતી. આરોપીની ઓળખ ગોલુ જયરામ તરીકે થઇ છે તે ફક્ત સાતમા ધોરણ સુધી જ ભણેલો છે તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતા પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. થાણે
આ બાબતે થાણેના કાપૂરબાવડી પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી ૫૦ વર્ષીય મહિલા થાણેની રહેવાસી છે. ફરિયાદી સામાજિક મુદ્દાઓ પર સામગ્રી પોસ્ટ કરતી એક લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે અને તેના ૧૭ લાખથી વધુ ફોલોઅર્સ છે. મે ૨૦૨૫માં મહિલાને એક યુઝર તરફથી એક પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી મળી હતી. આ એકાઉન્ટ તપાસતા, તેમને ખબર પડી કે આ હેન્ડલ પર તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટોગ્રાફ છે. ફરિયાદીને વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી વિવિધ પ્રોફાઇલ બનાવવામાં આવી હતી.
મહિલાને ત્યારબાદ અજાણ્યા યુઝર્સ તરફથી સીધા સંદેશાઓ દ્વારા તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટાઓ મળવા લાગ્યા હતા. જેના પગલે તેમણે સાતમી નવેમ્બરના રોજ કાપુરબાવડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્યારબાદ અજાણ્યા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૯ (મહિલાનો વિનયભંગ) અને ૩૫૬ (૨) (ગુનાહિત બદનક્ષી) તેમજ માહિતી અને ટેક્નોલોજી અધિનિયમની કલમ ૬૬ (સી) ૬૬ (ઇ) અને ૬૭ હેઠળ કેસ નોંધ્યો હતો. આ બાબતે કપુરબાવડી પોલીસ મથકના સિનિયર ઇન્સ્પેક્ટર મંજુષા ભોંગલેએ જણાવ્યું હતું કે ત્યારબાદ તેમણે સાયબર સેલની મદદ લીધી હતી અને નકલી પ્રોફાઇલ્સ તેમજ વાંધાજનક પોસ્ટ સાથે જોડાયેલા આઇપી એડ્રેસ શોધવાનું શરૃ કર્યું હતું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ૧૦૦થી વધુ નકલી પ્રોફાઇલ્સ બનાવી હતી. તેણે પોલીસ અને એજન્સીની શોધથી બચવા તેના નોકરીદાતાઓ, મિત્રો અને સંબંધીઓના મોબાઇલ ફોન અને વાઇ- ફાઇ કનેક્શનનો ઉપયોગ કર્યો હતો.
આ તપાસનો ભાગ રહેલા એક પોલીસ અધિકારી નીતિન જાધવે જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ 'રાજ' નામના નકલી એકાઉન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે ફરિયાદમાં આપેલી વિગતો સાથે મેળ ખાય છે વધુ તપાસમાં આઇપી એડ્રેસ ટ્રેકિંગ તેમને એક કેટરિંગ ફર્મ તરફ દોરી ગયા હતા. વધુમાં જાણવા મળ્યું હતું કે તેઓ 'જયરાજ' ફર્મના એક દૈનિક વેતન કામદારના પિતા હતા. વધુ તપાસ તેમને લુધિયાણામાં આરોપીના નિવાસસ્થાને લઇ ગઇ હતી જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


