Mumbai

ઈન્દ્રાણીની પુત્રી વિધિનો ધડાકોઃ સીબીઆઈ ચાર્જશીટમાં મારું નિવેદન નકલી છે

By GS TEAM
4 Sep 20254 mins read
ઈન્દ્રાણીની પુત્રી વિધિનો ધડાકોઃ સીબીઆઈ ચાર્જશીટમાં મારું નિવેદન નકલી છે

શીના બોરા મર્ડર ટ્રાયલમાં ટ્વિસ્ટઃ વિધિએ  પોતે  નિવેદન  આપ્યાનો કોર્ટમાં ઈનકાર

ઈન્દ્રાણીને કાનૂની કેસ લડવા પૈસા ન મળે તે માટે  રાહુલ અને રુબિને કરોડોના દાગીના-ઘરેણાં  ચોર્યાનો પણ આરોપ

મુંબઈ  - શીના બોરા હત્યા કેસમાં ં મુખ્ય સાક્ષી વિધિ મુખરજીએ મંગળવારે તપાસ એજન્સીઓ સમક્ષ કોઈપણ નિવેદન નોંધાવવાનો ઇનકાર  કર્યો હોવાની અનેે સીબીઆઈની ચાર્જશીટમાં તેમના નિવેદન તરીકે જોડાયેલા દસ્તાવેજો  ઉપજાવી કાઢવામાં આવ્યા છે તેવી રજૂઆત કરતાં સરકારી પક્ષને ફટકો પડયો હતો. 

  વિધિ ભૂતપૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઇન્દ્રાણી મુખરજી અને તેમના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાની પુત્રી છે, જે બંને દાયકા લાંબા આ સનસનાટીભર્યા હત્યા કેસમાં આરોપી છે. મૃતક શીના બોરા પણ ઈન્દ્રાણી મુખરજીની પુત્રી હતી.

મંગળવારે, વિધિ મુખરજીએ સ્પેશિયલ સીબીઆઈ જજ જેપી દરેકરની સમક્ષ હત્યા કેસમાં સાક્ષી તરીકે જુબાની આપી હતી.વિધિએ દાવો કર્યો હતો કે તેની માતા પાસે પોતાનો બચાવ કરવા માટે કોઈ પૈસા બચ્યા ન હતા કારણ કે મીડિયા માંધાતા પીટર મુખરજીના પુત્રો રાહુલ અને રબીને તેના ખાતામાંથી કરોડો રૃપિયાના પૂર્વજોના ઘરેણાં અને ૭ કરોડ રૃપિયા રોકડા ચોરી લીધા હતા.

સાક્ષીએ જણાવ્યું હતું કે, આમ, ઇન્દ્રાણી મુખરજીને ખોટી રીતે ફસાવવાનો તેમનો સ્પષ્ટ હેતુ હતો. ઈન્દ્રાણી હવે જામીન પર છે.

ગુના સમયે સગીર વયની સાક્ષી વિધિએએ દાવો કર્યો હતો કે તેની માતાની ધરપકડ બાદ તે ખૂબ જ આઘાતમાં હતી અને તેના મનમાં હજુ પણ ભાવનાત્મક ઘા છે.

વિધિ મુખરજીએ સ્વીકાર્યું કે તેમને પહેલાં મુંબઈ પોલીસે બોલાવી હતી  અને પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.તપાસ એજન્સીઓએ તેને પ્રશ્નો પૂછયા અને તેણે તેમના જવાબો આપ્યા હતા, એમ તેણે કોર્ટને જણાવ્યું.

જોકે, તેણેે કેન્દ્રીય એજન્સી કે પોલીસ સમક્ષ કોઈપણ નિવેદન નોંધવાનો ઇનકાર કર્યો હતો. વિધિએ દાવો કર્યો હતો કે તેને સીબીઆઈ ઓફિસમાં ઈમેલની નકલ (બોરા સાથેની તેણીની કથિત વાતચીતની) અને કોરી શીટ્સ સહિત અનેક દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી.

જ્યારે કોર્ટમાં જુબાની દરમિયાન સીબીઆઈ ચાર્જશીટના ભાગરૃપે વિધિ મુખરજીને નિવેદન બતાવવામાં આવ્યું, ત્યારે તેણેએ સ્પષ્ટપણે કહ્યું કે તે મારા દ્વારા કે મારા નિર્દેશ હેઠળ ક્યારેય રેકોર્ડ કરવામાં આવ્યું નથી.તેથી, ચાર્જશીટમાં જોડવામાં આવેલ નિવેદન બનાવટી અને  ઉપજાવેલા  છે એમ કહેવું યોગ્ય છે, એમ બચાવ પક્ષના વકીલના પ્રશ્નના જવાબમાં સાક્ષીએ જણાવ્યું હતું.

વિધિ મુખરજીએ દલીલ કરી હતી કે જો આવા બનાવટી નિવેદન મારા નામ હેઠળ નોંધવામાં આવ્યું હોય તો તેમાં ગુપ્ત હેતુઓ અને બદનક્ષીભર્યા ઇરાદા હશે.

તેણે દલીલ કરી હતી કે કોઈએ તેના  માતાપિતા - ઇન્દ્રાણી મુખરજી અને સંજીવ ખન્નાને કેસમાં ખોટી રીતે ફસાવવા માટે તેનું નિવેદન બનાવટી  હતું.

સાક્ષીએ યાદ કર્યું કે શીના બોરાએ પોતાનો પરિચય ઈન્દ્રાણી મુખરજીની બહેન તરીકે કરાવ્યો હતો.

શરૃઆતમાં શીના બોરા અને ઇન્દ્રાણી ખૂબ જ નજીક હતા અને પીટર મુખરજીના પુત્ર રાહુલે મધ્ય મુંબઈમાં તેમના વરલી ફ્લેટમાં આવવાનું શરૃ કર્યા પછી જ તેમની વચ્ચે વિવાદો શરૃ થયા, એમ તેણીએ જણાવ્યું.

વિધિ મુખરજીના જણાવ્યા મુજબ, જ્યારે પરિવારને ખબર પડી કે રાહુલ અમુક ડ્રગનું સેવન કરી રહ્યો છે અને શીના પણ તેમાં ફસાઈ ગઈ છે ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ.

વિધિ મુખરજીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે શીનાને છેલ્લે ૨૦૧૧ માં ગોવામાં એક પારિવારિક લગ્નમાં જોઈ હતી, પરંતુ ૨૦૧૩ સુધી ઇમેઇલ દ્વારા તેના સંપર્કમાં હતી.

ફરિયાદ પક્ષનો કેસ છે કે શીના બોરા (૨૪) ની તેની માતા ઇન્દ્રાણી મુખર્જી, તેના તત્કાલીન ડ્રાઇવર શ્યામવર રાય (જે પાછળથી કેસમાં સાક્ષી બન્યા) અને ખન્ના દ્વારા એપ્રિલ ૨૦૧૨ માં કારમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો અને બાજુના રાયગઢ જિલ્લાના જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

પીટર મુખરજીના પુત્રો વિધિને તેમનો પક્ષ લેવા માટે ધાકધમકી આપતા હતા

વિધિએ દાવો કર્યો હતો કે તેમના ઘરે આવતા સંબંધીઓ ઇન્દ્રાણીના પરફ્યુમ અને બેગ સહિતની વસ્તુઓ માટે ઝઘડો કરતા હતા.

વિધિએ આરોપ લગાવ્યો કે રબીન મુખરજીએ તેને ડરાવી હતી, તેને મુખરજી  કુળ અને તેની માતા વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી હતી, અને જો તે તેમનો પક્ષ નહીં લે તો તેને કૌટુંબિક મિલકતોમાંથી છીનવી લેવાની અને હકદારીથી વંચિત રાખવાની ધમકી આપી હતી.

વિધિએ વધુમાં જુબાની આપી હતી કે તેની માતાની ધરપકડ પછી, તેના કરોડો રૃપિયાના પૈતૃક ઘરેણાં અને ૭ કરોડ રૃપિયાથી વધુની બેંક બચતની ઉચાપત  થઈ ગઈ હતી.વિધિએ દાવો કર્યો હતો કે ચોરાયેલા ઘરેણાં સંગ્રહવા માટે રાહુલ અને રુબીન મુખરજીના નામે એક નવું બેંક લોકર ખોલવામાં આવ્યું હતું.

સાક્ષીએ જુબાની આપી હતી કે પીટર મુખરજીની ધરપકડ પહેલાં પૈસા અને ઝવેરાત ચોરાઈ ગયા હતા અને અમે ધાર્યું હતું કે પીટર મુખરજીની સંમતિ વિના (તેમના પુત્રો) રાહુલ અને રબીન તે કરી શક્યા ન હોત.

તેણે દાવો કર્યો હતો કે રાહુલ મુખરજી નોકરી વગરનો હતો અને રબીનની આથક સ્થિતિ સારી નહોતી, અને તેમને જીવનનિર્વાહ માટે પૈસાની સખત જરૃર હતી.

વધુમાં, જો ઇન્દ્રાણી મુખરજી જેલમાંથી બહાર આવે તો તેમને ચોરાયેલા પૈસા અને પૂર્વજોના ઘરેણાં પરત કરવાની ફરજ પાડવામાં આવે તેમ હતી. તેથી, રાહુલ અને રબીનનો હાલના ગુનામાં ખોટી રીતે ઇન્દ્રાણીને ફસાવવાનો સ્પષ્ટ હેતુ છે, વિધિ મુખર્જીએ દલીલ કરી હતી.