Get The App

ઈન્દ્રાણી ફરાર થઈ જશે તેવી આશંકાને માન્ય રાખી વિદેશ પ્રવાસની મંજૂરી ન અપાઈ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
ઈન્દ્રાણી ફરાર થઈ જશે તેવી આશંકાને માન્ય રાખી વિદેશ પ્રવાસની મંજૂરી ન અપાઈ 1 - image

શીના બોરા કેસમાં આરોપી ઈન્દ્રાણીને કોર્ટ દ્વારા આંચકો 

નાણાંકીય ભીંસમાં હોવાનો દાવો કરી બેન્કનાં કામો પતાવવા બે સપ્તાહ યુકે તથા સ્પેન જવા  મંજૂરી માગી હતીં 

મુંબઈ -  શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુકરેજાને સ્પેન તથા યુકેના બે સપ્તાહના  પ્રવાસે જવા મંજૂરી આપવાનો  મુંબઈની એક ખાસ કોર્ટ દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો. ઈન્દ્રાણી વિદેશથી ફરાર થઈ જશે તેવી ફરિયાદ પક્ષની આશંકા પાયાવગરની નથી તેવું નિરીક્ષણ અદાલતે કર્યું હતું.  

ખાસ જજ  જે. પી. દરેકરે જણાવ્યું  હતું  કે હવે આ કેસમાં બહુ ઓછા સાક્ષીઓની જુબાની બાકી છે. કેસ એકદમ  પૂર્ણતાને આરે છે અને બહુ નજીકના ભવિષ્યમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ જાય તેવી  શક્યતા છે. આરોપી નંબર વન ઈન્દ્રામી મુકરેજા પર બહુ ગંભીર આરોપો છે. તે યુકેનું નાગરિકત્વ ધરાવે છે અને ત્યાં તેની મિલ્કતો  પણ છે. આથી તે દેશમાંથી કાયમ માટે ફરાર થઈ જશે તેવું જોખમ રહેલું છે તેવી ફરિયાદ પક્ષની આશંકાને અવગણી શકાય તેમ નથી. 

મુકરેજાએ એવી દલીલ કરી હતી  કે યુકે તથા  સ્પેનની બેન્કોમાં તેનાં ખાતાં એક દાયકાથી ઓપરેટ ન થયાં હોવાથી નિષ્ક્રિય થઈ ગયાં છે અને તેના કારણે પોતે ભારે નાણાંકીય  મુશ્કેલીઓ વેઠી રહી છે. તેણે કહ્યું હતું કે પોતે બહુ તાકીદે તથા મજબૂરીના કારણે આ વિદેશ પ્રવાસે જવુું પડે તેમ છે. તેણે કહ્યું  હતું કે મારાં નિષ્ક્રિય થઈ ગયેલાં ખાતાં ફરી ચાલુ કરાવવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે પોતે રુબરુ ત્યાં હાજર  થવું પડે તેમ છે. 

તેણે એમ પણ કહ્યું હતું  કે હવે  પોતાનાં  પીટર મુકરેજા  સાથેનાં લગ્નનો વિચ્છેદ થઈ ચૂૂક્યો હોવાથી સ્પેનમાં  રજિસ્ટર થયેલાં વિલમાંથી નોમિની તરીકે  પીટરનું નામ કઢાવવા માટે પણ તેણે ત્યાં જવું પડે તેમ છે. 

તેણે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં રોજેરોજ ખટલો ચાલી રહ્યો હોવાથી પોતે  કોઈ કામ ધંધો  પણ કરી શકતી નથી. 

સીબીઆઈ વતી પબ્લિક પ્રોસીક્યુટર લી, દે, નાંડોડેએ કહ્યું હતું કે ઈન્દ્રાણીની રજૂઆત ખોટી અને ફગાવી  દેવાને લાયક છે. સીબીઆઈએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે સ્પેન તથા  યુકેની એમ્બેસીઓ સાથે સંપર્ક કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે તેઓ ઈન્દ્રાણીને તેનાં કામો પતાવવા માટે પૂરેપૂરી મદદ કરશે. 

અદાલતે કહ્યું હતું કે ઈન્દ્રાણીએ પોતાનાં બેન્ક તથા સ્થાનિક તંત્રના કામો અંગે ત્યાંની એજન્સીઓ સાથે પત્રવ્યવહારના કોઈ પુરાવા આપ્યા નથી. અદાલતે એ પણ નોંધ્યું હતું કે ઈન્દ્રાણી  પોતે નાણાંકીય ખેંચની વાત કરે છે પરંતુ તેણે આ અરજી કરવા માટે અદાલતમાં બે લાખ રુપિયા જમા કરાવ્યા છે. 

અગાઉ જુલાઈ ૨૦૨૪માં એક સીબીઆઈ કોર્ટ દ્વારા ઈન્દ્રાણીને ૧૦ દિવસનો વિદેશ પ્રવાસ ખેડવા મંજૂરી અપાઈ હતી. પંરતુ બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ ચાલતી હોવાનું જણાવી આ મંજૂરી રદ કરી  હતી. અગાઉ ગયાં વર્ષે સુપ્રીમ કોર્ટે પણ તેની વિદેશ પ્રવાસની મંજૂરી ફગાવતાં  કહ્યું હતું કે તે પાછી આવશે  તેની  કોઈ ગેરન્ટી નથી.