Get The App

ઇન્ડિગો પર ફરી સંકટ, વિવિધ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઇ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગો પર ફરી સંકટ, વિવિધ એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઇ 1 - image

મુંબઇ: તાજેતરમાં દેશના વિવિધ એરપોર્ટ્સ પર ફલાઇટ્સ સતત કેન્સલ કરી દઇ  હાહાકાર મચાવી દેનાર ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આજે મંગળવારે પણ દેશના વિવિધ એરપોર્ટ્સ પર ૫૦થી વધારે ફલાઇટ્સ કેન્સલ કરી નાંખવામાં આવી હતી. એરલાઇનની વેબસાઇટ પર જણાવવામાં આવેલી માહિતી અનુસાર મુંબઇ, દિલ્હી, વારાણસી, પૂણે, ચંદીગઢ, અમૃતસર, ઇન્દોર અને પટણા સહિત અનેક એરપોર્ટ્સ પર ફલાઇટ્સ કેન્સલ કરી નાંખવામાં આવી હતી અને તેના માટે કોઇ કારણ ઇન્ડિગો દ્વારા આપવામાં આવ્યું નહોતું. 

શિયાળુ સમયપત્રક અનુસાર ઇન્ડિગોને શરૂઆતમાં ડોમેસ્ટિક રૂટ પર દર અઠવાડિયે ૧૫,૦૧૪ ફલાઇટ ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે ૨૦૨૫ના ઉનાળુ સમયપત્રક કરતાં છ ટકા વધારે હતી. સમરમાં ઇન્ડિગોએ ૧૪,૧૫૮ ફલાઇટ ઓપરેટ કરી હતી. 

જો કે,તાજેતરમાં ઇન્ડિગોના ઓપરેશન્સ ખોરવાઇ જવાની ઘટનાને પગલે દેશના લાખો હવાઇપ્રવાસીઓ પરેશાન થવાને પગલે સરકારે ઇન્ડિગોના શિયાળુ સમયપત્રકમાં દસ ટકાનો એટલે કે રોજની ૨૧૪ ફલાઇટ્સ પર કાપ મુક્યો હતો. જેને પગલે એરલાઇન રોજ ૧૯૩૦થી વધારે ફલાઇટ ઓપરેટ કરી શકે તેમ નહોતી. આ ફલાઇટ્સમાં કાર્ગો સર્વિસીસ અને ઇન્ટરનેશનલ ફલાઇટ્સનો સમાવેશ થતો નથી. 

ઇન્ડિગોની એક સમયે રોજની ૧૬૦૦ ફલાઇટ્સ કેન્સલ થવાને પગલે ડાયરેકટોરેટ જનરલ ઓફસિવિલ એવિએશન-ડીજીસીએ-દ્વારા ચાર સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ માનવસંસાધન આયોજન, હાલકડોલક રોસ્ટરિંગ સિસ્ટમ્સ અને પાઇલટ્સ માટે ડયુટી સમય અને તેમના આરામના ધારાધોરણોનું પાલન કરવાની તેની તૈયારીનું આકલન કરી રહી છે. 

તપાસ સમિતિએ કંપનીના ટોચના બે અધિકારીઓ ચીફ એક્ઝિક્યુટિવ  ઓફિસર પીટર એલ્બર્સ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇસીદ્ર પોર્કયુરાસને બોલાવી તેમની આકરી પૂછપરછ કરી છે. સમિતિનો અહેવાલ આ સપ્તાહમાં આવી જવાની ધારણાં છે.