નાગપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા
સચિન તેન્ડુલકર અવારનવાર ટાઇગર સફારીમાં જાય છે ઃ રિલેક્સ થયેલા ખેલાડીઓનો આજે મુકાબલો
મુંબઇ- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતી કાલે નાગપુરમાં પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે એ પૂર્વે ભારતીય ક્રિકેટરોએ પેંચનાં જંગલમાં જઇ વાઘ-દર્શનનો આનંદ માણ્યો હતો.
નાગપુરના વી.સી.એ. (વિદર્ભ ક્રિકેટ એસોસીએશન)ના જામઠા સ્ટેડિયમ પર ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે. ભારતીય ખેલાડીઓ સોમવારે વહેલી સવારે પેંચ ટાઇગર રિઝર્વમાં પહોંચી ગયા હતા. ક્રિકેટર સંજૂ સેમસને સફારીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો રહતો. આમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રવિ બિશ્નોઇ અને રિંકુ સિંહ નાગપુરથી ૧૦૦ કિ.મી. દૂર પેંચ નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા માણવા માટે પહોંચી ગયા હતા.
ભારતીય ખેલાડીઓ ઓપન જીપ્સીમાં બેસીને વાઘ-દર્શનની મજા માણતા જોવા મળ્યા હતા. સોશ્યલ મિડિયામાં ક્રિકેટર સંજૂ સેમસને વહેતી કરેલી આ જંગલ સફારીની વિડિયોને સવાલાખથી વધુ લાઇક્સ મળી હતી, અને ૧૨૦૦ થી વધુ લોકોએ કમેન્ટ્સ કરી હતી. ખાસ તો કડકડતી ઠંડીમાં રાતના સમયે તાપણાં ફરતે બેસીને ગરમાવો મેળવતા ક્રિકેટરોની આ મંડળીને જોવાની સહુને બહુ મજા આવી ગઇ હતી.
વિદર્ભમાં તાડોબા અને મધ્ય પ્રદેશની સીમા પરના પેંચ રાષ્ટ્રીય અભયારણ્યમાં વાઘના નજીકથી દર્શન કરવા માટે દેશ-વિદેશના હજારો પર્યટકો આવે છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તો તાડોબા અને કાન્હાંડલાના જંગલમાં અવારનવાર સફારીનો આનંદ માણવા આવે છે. આવી જ રીતે આવતી કાલે ન્યૂઝીલેનેેડ સામેથી મેચ પહેલાં કેટલાક ભારતીય ખેલાડીઓએ પણ વાઘને જોવાનો લ્હાવો લીધો હતો.


