Mumbai

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાનો ગગન વિજય - પૃથ્વી બહાર ભારતીય ગૌરવગાન કર્યું

By GS TEAM
26 Jun 20252 mins read
ભારતના  અવકાશયાત્રી  શુભાંશુ   શુકલાનો ગગન   વિજય -   પૃથ્વી બહાર ભારતીય ગૌરવગાન કર્યું

અંતરિક્ષયાત્રામાં ૪૧ વર્ષ બાદ બીજો  સુવર્ણ અવસર- ભારતના ભાવિ  અંતરિક્ષ કાર્યક્રમોની શિસ્તબદ્ધ  તૈયારી થઇ રહી છે

નાસા -- એક્ઝિઓમ -- ૪ મિશનમાં  હિસ્સો  લઇને ઇન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશનમાં જનારા  પહેલા ભારતીય અવકાશયાત્રી  બન્યા -  ચાર સાથીદારો સાથે ૧૪ દિવસ રહીને વિવિધ પ્રકારના વૈજ્ઞાાનિક પ્રયોગો અને પરીક્ષણો કરશે-આ મિશનમાં ભારતનું ૫૫૦ કરોડનું યોગદાન છે- ૨૮ કલાકની અંતરિક્ષયાત્રા કરીને  ભારતીય સમય મુજબ  આજે સાંજે  ૪- ૩૦ વાગે  આઇ.એસ.એસ.માં પહોંચશે   

મુંબઈ -   વોટ એ રાઇડ . નમસ્કાર મેરે પ્યારે દેશવાસીઓ.  આપણે બરાબર ૪૦ વર્ષ બાદ  અંતરિક્ષમાં પુનઃ આગમન કર્યું છે. ખરેખર આ અંતરિક્ષયાત્રા અદભુત છે. અમે અત્યારે ૭.૫ કિલોમીટર(પ્રતિ સેકન્ડ)ની ગતિએ પૃથ્વીના વિરાટ ગોળા ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. 

 ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ આજે ૨૦૨૫ની ૨૫,જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી  વહેલી સવારે  ૨ ઃ ૩૧  વાગે (ભારતીય સમય ઃ   આજે બપોરે ઃ ૧૨ ઃ ૦૧)  ગ્રેસ કેપ્સુલ(સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સુલનું નવું નામ)માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી તેની બરાબર ૧૦ મિનિટ બાદ આવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. 

શુભાંશુ શુકલા નાસા --એકઝિઓમ --૪ મિશનના હિસ્સારૃપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા છે.

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ઃ એકઝિઓમ --૪ મિશનમાં ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નું પણ મહત્વનું યોગદાન છે.

 આઇ.એસ.એસ. માટેના  એક્ઝીઓમ -- ૪ મિશનના  વિશિષ્ટ કાર્યક્રમમાં  અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા), એક્ઝિઓમ સ્પેસ, યુરોપિયન સ્પેસ એજન્સી(ઇ.એસ.એ.), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) જોડાયેલી છે.  

અગાઉ જોકે આ જ મિશન  ટેકનિકલ ખામીને કારણે ચાર વખત મોકૂફ રહ્યું હતું.  મૂળ કાર્યક્રમ મુજબ આ મિશન ૨૦૨૫ની ૨૯, મે એ રવાના થવાનું હતું. જોકે ફાલ્કન રોકેટમાં લિક્વિડ ઓક્સિજનનું ગળતર થતું હોવાનું જાણવા મળ્યું હોવાથી મિશનના કાર્યક્રમમાં  ૮, ૧૦,૧૧, જૂન એમ  ચાર વખત ફેરફાર થયો હતો.  

ભારતના શુભાંશુ શુકલા સાથે   નાસાના અવકાશયાત્રી અને નાસા --એક્ઝિઓમ -૪ મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી -- વિસ્નેવ્સકી(પોલેન્ડ) પણ છે.

શુભાંશુ શુકલા ગ્રેસ  કેપ્સુલના પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવવાના છે. એટલે કે ગ્રેસ અવકાશયાનું સમગ્ર ટેકનિકલ સંચાલન શુભાંશુ શુકલા કરવાના છે એ ભારત માટે  ગૌરવરૃપ છે.

ચારેય અવકાશયાત્રીઓ  પૃથ્વીથી અંતરિક્ષમાં  ૨૮ કલાકનો  પ્રવાસ કરીને ૪૦૦ કિલોમીટરનું  અંતર પૂરું કરીને આવતીકાલે ગુરુવારેે, ૨૬,જૂને સવારે ૭ ઃ ૦૦ વાગે (ભારતીય સમય ઃ  ગુરુવારે સાંજે ઃ ૪ ઃ ૩૦ વાગે) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માં  પહોંચશે.આઇ.એસ.એસ. હાલ અંતરિક્ષમાં ૪૦૦ કિ.મી.દૂરના અંતરે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે.