Get The App

વૈશ્વિક સરેરાશ કરતાં ભારતીય વિમાનોનો ઈંધણ વપરાશ ઓછો

Updated: Dec 26th, 2022

GS TEAM


Google News
Google News
વૈશ્વિક સરેરાશ કરતાં ભારતીય વિમાનોનો ઈંધણ વપરાશ ઓછો 1 - image


- એવિયેશન ક્ષેત્રના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસ

- વિશ્વના 20 જ ટકા વિમાનોમાં ફ્યૂઅલનો કાર્યક્ષમ ઉપયોગ, 80 ટકા વિમાનો વધારે પડતું ઈંધણ વાપરતાં જૂની પેઢીના વિમાનો વાપરે છે

મુંબઈ : વિશ્વમાં હાલ માત્ર ૨૦ ટકા વિમાનો ફ્યુઅલ સક્ષમ છે જ્યારે બાકીના ૮૦ ટકા જૂની પેઢીના અતિશય ઈંધણ વાપરતા વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બીજી તરફ ભારત ડીકાર્બનાઈઝેશનની બાબતમાં ઘણુ આગળ છે અને તેની એરલાઈન્સના ૫૯ ટકા વિમાનો ફ્યુઅલ સક્ષમ છે એવી જાણકારી યુરોપીયન એરોસ્પેસ કોર્પોરેશને આપી છે.

એરબસના પ્રવક્તાએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં ડીકાર્બનાઈઝેશનને વેગ આપવા જૂના વિમાનોના સ્થાને નવા વિમાનો સામેલ કરવા અત્યારે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે અને આ બાબતમાં ભારત સૌથી આગળ છે.

એરબસે તાજેતરમાં જ બે દિવસીય વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં એવિયેશન ક્ષેત્ર પર આબોહવા પરિવર્તનની અસર ઘટાડવા લેવાતા અનેક પગલા વિશે જાણકારી આપવામાં આવી હતી. એમાં સૌથી મહત્વનું હતું શૂન્ય કાર્બન ઉત્સર્જન કરતા કમર્શિયલ વિમાન માટે ઉપયોગમાં લેવામાં આવનાર હાઈડ્રોજન ફ્યુઅલ સેલ એન્જિન. આ વિમાન ૨૦૩૫માં બજારમાં મુકાશે.

આગામી દાયકાઓમાં વિમાનોના આધુનિકીકરણથી જ એવિયેશન ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઓછું થઈ શકશે. હવાઈ ક્ષેત્રના નિષ્ણાંતો મુજબ ૨૦૪૧ સુધીમાં વિશ્વના સક્રિય વિમાનો પૈકી ૯૫ ટકા નવા પેસેન્જર વિમાન હશે.

ભારતમાં એરલાઈન્સના કાફલામાં ફ્યુઅલ સક્ષમ વિમાનોની ટકાવારી આગામી વર્ષોમાં ઝડપથી વધવાની ધારણા છે. હાલમાં જે એરલાઈન્સનું ખાનગીકરણ કરાયું છે તે અત્યાધુનિક વિમાનોના મોટો સોદાને અંતિમ રૂપ આપવાની તૈયારીમાં છે. જો કે હાલ તો ઈન્ડિગોમાં સૌથી વધુ ફ્યુઅલ સક્ષમ વિમાનો છે. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે અમારા ૮૦ ટકા વિમાન ફ્યુઅલ સક્ષમ છે.

નવા વિમાનો પૈકી સ્થાનિક રૂટ પર ઓપરેટ થતું નેરો બોડી વિમાન સૌથી લોકપ્રિય છે. નવી પેઢીના વિમાનો એ૩૨૦ અને બોઈંગ ૭૩૭ મેક્સ પરિવારના છે. આ વિમાનો ૨૦૧૬-૧૭માં સેવામાં ચાલુ કરાયા હતા. ત્યાર બાદ એ૩૫૦, બી૭૭૭એક્સ, બી૭૮૭ જેવા પહોળા વિમાનો અગાઉની પેઢીના એ૩૦૦, એ૩૧૦, બી૭૪૭ જેવા વિમાનો કરતા વધુ ફ્યુઅલ સક્ષમ છે. ખાસ કરીને એ૩૨૦એનઈ અગાઉના એ૩૨૦ અને એ૩૨૧ કરતા વધુ ફ્યુઅલ સક્ષમ છે એવી જાણકારી એક એરલાઈન્સના પ્રવક્તાએ આપી.

નિષ્ણાંતોના મતે છેવટે એરલાઇન્સનો ઇંધણનો વપરાશ ઉદ્યોગના કાર્બન-ડાયોક્સાઇડ ઉત્સર્જનનું સીધું સૂચક છે. એક્ઝોસ્ટમાં કાર્બન ડાયોક્સાઇડનો હિસ્સો લગભગ ૭૦ ટકા હોય છે અને તે એરક્રાફ્ટ ઉત્સર્જનનો સૌથી મોટો ઘટક છે. તેથી, એરક્રાફ્ટ જેટલું વધુ ઇંધણ-કાર્યક્ષમ હોય તેટલું તેનું કાર્બન ઉત્સર્જન ઓછું હોય છે.

વૈશ્વિક એવિયેશન ક્ષેત્રએ ૨૦૫૦ સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક રાખ્યું છે. ભારત વિકસીત બજાર હોવાથી વડા પ્રધાને ૨૦૭૦ સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક રાખ્યું છે. એમ કરવા માટે વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ વધારવાની જરૂર છે. સિવિલ મંત્રાલય હાલ વૈકલ્પિક ઈંધણના જેટ ફ્યુઅલમાં મિશ્રણ કરવાની યોજના ધરાવે છે. એરબસ વિમાનના આધુનિક વિમાનો ૫૦ ટકા સુરક્ષિત ઈંધણનો ઉપયોગ કરતા હોવાનું પ્રમાણિત થયું છે.

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન (આઈસીસીટી) અનુસાર કમર્શિયલ એવિયેશનમાંથી વૈશ્વિક કાર્બન ઉત્સર્જન ૨૦૧૩માં ૭૦૭ મિલિયન ટન હતું જ્યારે ૨૦૧૯માં ૩૦ ટકા વધીને ૯૨૦ મિલિયન ટન થયું હતું.

Tags :