Get The App

થિયેટર્સની સંખ્યા બાબતે ભારત ચીન અને યુએસ કરતાં ઘણું પાછળઃ આમિરખાન

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
થિયેટર્સની સંખ્યા બાબતે ભારત ચીન અને યુએસ કરતાં ઘણું પાછળઃ આમિરખાન 1 - image


બે જ ટકા વસતી થિયેટરમાં જાય છે તો બાકીના ફિલ્મો ક્યાં નિહાળે છે

ચીનમાં ૯૦,૦૦૦ થિયેટર્સની સામે ભારતમાં માત્ર ૧૦,૦૦૦ થિયેટર્સ, તેમાં હિન્દી ફિલ્મને ફાળે તો ૫૦૦૦ સિનેમા થિયેટર્સ આવે છે

મુંબઇ - મુંબઈના બીકેસીમાં યોજાઈ રહેલી  દેશના સૌ પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ-વેવ્ઝના પ્રથમ દિવસે શાહરૃખખાને નાના શહેરોમાં સિંગલ સ્ક્રિન થિયેટર્સમાં મોટાં દર્શક વર્ગને સસ્તા દરે ભારતીય ફિલ્મો જોવા મળે તેના પર ભાર મુક્યો હતો. એ જ વાતને  બીજે દિવસે આગળ વધારતાં આમિરખાને જણાવ્યું હતું કે દેશના ઘણાં જિલ્લાઓ જેમ કે કોંકણમાં સિંગલ સ્ક્રિન થિયેટર જ નથી. ચીન અને યુએસની સરખામણીમાં ભારતમાં સિનેમા થિયેટર્સની સંખ્યા ઘણી ઓછી છે જેને કારણે સૌથી મોટી ફિલ્મો પણ મુઠ્ઠીભર દર્શકો સુધી જ પહોંચે છે. આમિરખાને જણાવ્યું હતુંં કે આપણાં ફિલ્મઘેલા  દેશની માંડ બે ટકા વસ્તી જ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં જાય છે. સવાલ એ છે કે બાકીની ૯૮ ટકા વસ્તી ફિલ્મ ક્યાં જુએ છે. 

આમિરખાને વેવ્ઝ સમિટના બીજા દિવસે યોજાયેલા સેશન 'સ્ટુડિયોઝ ઓફ ધ ફ્યુચરઃ પુટિંગ ઇન્ડિયા ઓન ધ વર્લ્ડ સ્ટુડિયો મેપ'માં ભાગ લઇ ભારતમાં ફિલ્મ ઉદ્યોગના વિકાસને ટેકો આપે તેવું બહેતર ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા પર ભાર મુક્યો હતો. દેશમાં સિંગલ સ્ક્રિન થિયેટર બનાવવામાં મૂડીરોકાણ કરવંી જોઇએ. આમિરખાને  પોતાની વાતને સમજાવતાં જણાવ્યું હતું કે ચીનમાં ૯૦,૦૦૦ સિનેમા થિયેટર્સ છે, યુએસમાં ૪૦,૦૦૦ સિનેમા થિયેટર્સ છે. તેની સામે ભારતમાં માંડ ૧૦,૦૦૦ સિનેમા થિયેટર્સ છે. ભારત જેવા સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં વસ્તીના પ્રમાણમાં સ્ક્રિનની સંખ્યા ઘણી ઓછી છે. હવે આ ૧૦,૦૦૦ સિનેમા થિયેટર્સમાંથી પણ અડધા સિનેમાઘરો દક્ષિણમાં આવેલાં છે. જ્યારે બાકીના અડધા આખા દેશમાં ફેલાયેલાં છે. આમ, હિન્દી ફિલ્મને ફાળે તો માંડ ૫,૦૦૦ સિનેમા થિયેટર્સ જ આવે છે. 

સૌથી મોટી ફિલ્મ પણ દેશના  મુઠ્ઠીભર લોકો સુધી જ પહોંચી શકે છે તેમ જણાવી આમિરખાને ઉમેર્યું હતું કે આપણાં દેશને સિનેમાપ્રેમી ગણવામાં આવે છે. પણ મોટી ફિલ્મ રજૂ થાય ત્યારે માંડ બે ટકા વસ્તી જ સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જાય છે. સવાલ એ છે કે બાકીના ૯૮ ટકા મૂવી જોવા ક્યાં જાય છે. આમિરખાને જણાવ્યું હતું કે કોંકણની જેમ ઘણાં પ્રાંતોમાં કોઇ સિનેમાઘરો જ નથી.આજે નાના શહેરોમાં સસ્તા સિનેમાઘરો બનાવવાની જરૃર છે. જ્યાં કોઇપણ ભાષાની ભારતીય ફિલ્મો બતાવી શકાય. જોઆમ નહીં થાય તો સિનેમા જોવાનું મોટાં શહેર પૂરતું મર્યાદિત બની જશે અને તે અતિશય મોંઘું પણ બની રહેશે. 

ભારત ગ્લોબલ ઓડિયન્સ માટે ફિલ્મો બનાવતું જ નથી ઓપનહાઇમરના નિર્માતા ચાર્લ્સ રોવેન 

મુંબઇઃ ઓપનહાઇમર નામની સફળ ફિલ્મના નિર્માતા ચાર્લ્સ રોવેને જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીય ફિલ્મમેકર્સ તેમની ફિલ્મ ઇન્ટરનેશનલ સ્તરે કેવી રીતે પહોંચશે તે વિચાર્યા વિના જ બનાવે છે. તમારો બિઝનેસ ભારતની અંદર જ સમાયેલો છે અને મારો બિઝનેસ આખી દુનિયામાં ચાલે છે. હું કોઇપણ પ્રોડક્શન શરૃ કરૃ તે પહેલાં જ નક્કી થઇ જાય છે કે તેનું સ્ટ્રિમિંગ થશે કે મોશન પિકચર્સ બનશે. હું કોઇપણ પ્રોજેક્ટને આખી દુનિયા સમક્ષ રજૂ કરવાના ઇરાદા સાથે જ હાથ ધરું છું. આમિરખાને રોવેનના ભારતીય ફિલ્મમેકર્સના આકલનને બિરદાવતાં જણાવ્યું હતું કે તમારી વાત એકદમ સાચી છે. હોલીવૂડના નિર્માતા રોવેને જણાવ્યું હતું કે ઘણીવાર ભારતીય ફિલ્મો વૈશ્વિક સ્તરે નિષ્ફળ જાય છે કેમ કે તે સ્થાનિક દર્શકોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે.


Tags :