Mumbai

મુંબઇમાં મેલેરિયા, ડેન્ગુ, ચીકનગુન્યા, લેપ્ટોના કેસમાં ચિંતાજનક વધારો

By GS TEAM
3 Aug 20252 mins read
મુંબઇમાં મેલેરિયા, ડેન્ગુ, ચીકનગુન્યા, લેપ્ટોના કેસમાં ચિંતાજનક વધારો

જૂન કરતાં જુલાઇમાં પાણીજન્ય બીમારીનું પ્રમાણ વધ્યું

ચોમાસાનું આગમન  કુદરતી ચક્ર કરતાં વહેલું  થતાં  પાણીજન્ય રોગનો ફેલાવો વધુઃ પાલિકા 

મુંબઈ -  મુંબઇમાં છેલ્લા થોડા મહિનાથી ડેન્ગુ અને ચીકનગુન્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.ખાસ  કરીને ૨૦૨૫ના  જૂનની  સરખામણીએ હાલ જુલાઇમાં આ બંને બીમારીના કેસમાં વધારો થયો છે.  જોકે  મેલેરિયાના કેસ  સૌથી  વધુ  નોંધાયા  છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગુના અને ચીકનગુન્યાનાં દરદીઓની સંખ્યામાં વધારો થયો છે. ડેન્ગુ,  ચીકનગુન્યા, મેલેરિયા વગેરે પાણીજન્ય રોગ છે.

શહેરનાં તબીબી સૂત્રોના કહેવા મુજબ ૨૦૨૫ના જૂનમાં મેલેરિયાના ૮૮૪ કેસ  નોંધાયા હતા, જે  જુલાઇમાં વધીને ૧,૨૯૪ થયા છે.  જૂનમાં ડેન્ગુના ૧૦૫  કેસ  નોંધાયા હતા, જે  જુલાઇમાં  વધીને ૭૦૮ થયા છે. જૂનમાં  ચીકનગુન્યાના કેસ ૨૧ નોંધાયા હતા, જે જુલાઇમાં વધીને૧૨૯ થયા છે.

ઉપરાંત,  જૂનમાં લેપ્ટોસ્પાઇરોસીસના ૩૬ કેસ નોંધાયા હતા, જે જુલાઇમાં વધીને૧૪૩ થયા છે. જૂનમાં હેપેટાઇટીસના ૭૮ કેસ હતા, જે જુલાઇમાં વધીને ૧૭૬ થયા છે. 

જોકે ૨૦૨૪ના  જૂનમાં મુંબઇમાં મેલેરિયાના ૭૯૭ કેસ નોંધાયા હતા,ડેન્ગુના ૫૩૫, ચીકનગુન્યાના ૨૫ કેસ નોંધાયા હતા. શહેરમાં ડેન્ગુના અને મેલેરિયાના કોઇ દરદીનું મૃત્યુ નથી થયું.  

મહાનગરપાલિકાનાં આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી છે કે ૨૦૨૫માં મુંબઇમાં ચોમાસાનું આગમન તેના  જૂનના પહેલા સપ્તાહના નિયમિત કુદરતી ચક્ર કરતાં વહેલું  એટલે કે મે મહિનામાં થયું છે. આ સમયગાળામાં  પાણીજન્ય રોગનો ફેલાવા વધુ થાય છે. 

બીજીબાજુ શહેરના પાણીજન્ય રોગના નિષ્ણાત તબીબે એવી માહિતી આપી છે કે હજી થોડાં વરસ પહેલાં મુંબઇમાં ચીકનગુન્યાના કેસ નોંધાતા નહોતા શહેરના મોટાભાગના  નિષ્ણાત ડોક્ટરો ચીકનગુન્યાને ભાગ્યે જ થતી બીમારી ગણતા. વળી, આવા કેસનાં દરદીઓ  મુંબઇ બહારથી આવતાં. હવે જોકે  ચોમાસામાં ચીકનગુન્યાના કેસ મુંબઇમાં પણ વધુ નોંધાય છે.

હાલ મુંબઇની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગુનાં દરદીઓની સંખ્યા વધી રહી છે. દરદીઓ ઘેરી મુંઝવણ -- ચિંતા અનુભવી રહ્યાં છે. જોકે કાળજી રાખવાની બાબત તો એ છે કે  ડેન્ગુની સારવાર  તો ઘરે રહીને પણ થઇ શકે છે. ગભરાઇને હોસ્પિટલમાં દાખલ થવાની એટલી જરૃર પણ નથી હોતી. હા, ડેન્ગુના દરદીના શરીરમાં પ્રવાહીનું પ્રમાણ પૂરતું હોવું જરૃરી છે. સાથોસાથ દરદીના શરીરમાં પ્લેટલેટ્સ(લોહીમાંનો એક ઘટક)ની સંખ્યા પણ  ન ઘટવી જોઇએ. 

આ જ   રીતે આજથી થોડાં વરસ પહેલાં  મુંબઇમાં ખાનગી  હોસ્પિટલોમાં  લેપ્ટોસ્પાઇરોસીસના કેસ પણ બહુ જ ઓછાં નોંધાતા હતા. હવે જોકે ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગુના કેસ પણ વધી રહ્યા છે.

એક ખાનગી હોસ્પિટલના તબીબે એવું નિરીક્ષણ રજૂ કર્યું છે કે છેલ્લાં થોડાં વરસ દરમિયાન મુંબઇમાં યુવાન પેઢીમાં મેલેરિયા, ડેન્ગુ, ચીકનગુન્યા, લેપ્ટોસ્પાઇરોસીસના કેસ વધુ નોંધાય છે. ખાસ કરીને મેલેરિયાનાં દરદીઓની સંખ્યા સૌથી વધુ રહી છે.