3 વર્ષ પહેલા થયું હતું પતિનું મૃત્યુ
મહિલાની દીકરી પણ મારપીટમાં સામેલ ઃએક્ટિવિસ્ટો દ્વારા રોષ વ્યક્ત કરાયો
મુંબઇ - પુણેમાં૩૩ વર્ષીય એક વિધવા મહિલાએ જીન્સ પહેતા રોષે ભરાયેલા તેના દિયર અને સાસુએ તેની મારપીટ કરી હતી. આ ઘટનામાં મહિલાની સગીર પુત્રી પણ જોડાઇ હતી. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા થતા તેને પુણેની સસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પીડિતાની ફરિયાદના આધારે સહકાર નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બાબતે વધુ વિગતાનુસાર ફરિયાદી મહિલા તેના ચાર બાળકો સાથે પુણેના તળજાઇ વિસ્તારમાં રહે છે તેના પતિનું ત્રણ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ગુજરાન ચલાવવા કચરો વિણવાનું કામ કરે છે. ૩૦ ડિસેમ્બરના રોજ ફરિયાદી સાંજે સાડા છ વાગ્યે જીન્સ પહેરીને ઘરની બહાર ઉભી હતી. આ સમયે ફરિયાદીની સાસુ સવિતા ત્યાં આવી હતી અને પુત્રવધુએ જીન્સ પહેર્યું હોવાથી રોષે ભરાઇ હતી. તેણે વિવાદ શરૃ કરી પુત્રવધુના વાળ ખેંચી તેને ફટકારવાનું શરૃ કર્યું હતું. સાસુએ તેને મારવાની સાથે જ તેના ચારિત્ર્ય પર શંકા કરી અપશબ્દો કહ્યા હતા.
આ દરમિયાન ફરિયાદીની મદદ માટેની બૂમો સાંભળી તેની સગીર પુત્રી અને દિયર પણ દોડી આવ્યા હતા. જોકે ફરિયાદીને છોડાવવાની જગ્યાએ આ બન્ને પણ તેની મારપીટ કરવા લાગ્યા હતા. દિયરે ફરિયાદીનો હાથ મરડી નાંખ્યો અને આ મારપીટ દરમિયાન તેનું કાંડાનું હાડકું ભાગી ગયું હતું. આરોપીઓએ મહિલાનો મોબાઇલ પણ તેના પાસેથી ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ ગંભીર અવસ્થામાં મહિલા સહકાર નગર પોલીસ મથકમાં પહોંચી ગઇ હતી અને તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે અપશબ્દો કહેવા, મારપીટ કરવી અને ગંભીર ઇજા પહોંચાડવાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીને ત્યારબાદ પુણેની સસૂન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
આ ઘટના બાદ એક્ટિવિસ્ટો અને મહિલાના હક્કો માટે લડત ચલાવતા સમાજ સેવકો એ રોષ વ્યક્ત કર્યો હતો અને મહિલાના સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પાઠ ભણાવવાની માગણી પોલીસ સમક્ષ કરી હતી. આ ઘટના બાદ ફરિયાદીની સાસ, દિયર અને પુત્રી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


