Mumbai

60 કરોડની ઠગાઈમાં 15 કરોડ શિલ્પા શેટ્ટીના ખાતામાં ટ્રાન્સફર થયા હતા

By GS TEAM
26 Sep 20252 mins read
60  કરોડની ઠગાઈમાં 15 કરોડ શિલ્પા  શેટ્ટીના ખાતામાં ટ્રાન્સફર થયા હતા

પતિ રાજ કુન્દ્રા બાદ  શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે

શિલ્પા શેટ્ટીએ આ રકમ સામે શેનું બિલ મૂક્યુું હતું તેની તપાસઃ પોલીસે માગેલા  દસ્તાવેજો રજૂ કરવામાં રાજ કુન્દ્રા નિષ્ફળ

મુંબઇ -  બિઝનેસમેન રાજ કુન્દ્રાએ રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કરી હોવાના કેસમાં હવે તેમની પત્ની શિલ્પા શેટ્ટીનું નામ પણ સામે આવ્યું છે. છેતરપિંડીની રકમમાંથી રૃા. ૧૫ કરોડ શિલ્પા શેટ્ટીના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઇ  પોલીસની આર્થિક ગુના શાખા આ રકમ અભિનેત્રીના ખાતામાં કેમ ટ્રાન્સફર કરવામાં આવ્યા તેની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં શિલ્પા શેટ્ટીની પૂછપરછ થઇ શકે છે.

અગાઉ બિઝનેસમેન દીપક કોઠારી સાથે રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર ફિલ્મ નિર્માતા રાજ કુન્દ્રા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આર્થિક ગુના શાખાએ આ મામલામાં ૧૮ સપ્ટેમ્બરના રોજ રાજ કુન્દ્રાની  અંદાજે પાંચ કલાક પૂછપરછ કરી હતી.

પોલીસને તપાસમાં કુન્દ્રાએ પાંચ કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. કુન્દ્રાના બેંક ખાતાની વિગતો દર્શાવે છે કે તેમણે રૃા. ૨૫ કરોડ વ્યક્તિગત કામ માટે ખર્ચ કર્યા હતા. આ ૬૦ કરોડમાંથી કુન્દ્રાએ રૃા. ૧૫ કરોડ તેની પત્ની શિલ્પા શેટ્ટીની કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

હવે આર્થિક ગુના શાખા તપાસ કરી રહી છે કે શિલ્પા શેટ્ટીના ખાતામાં આ રકમ કેવી રીતે આવી. અભિનેત્રીએ આ પૈસા ખાતામાં જમા કરાવવા માટે બિલ રજૂ કર્યું હતું. આ બિલ શું હતું? તે કેવી રીતે બનાવવામાં આવ્યું?

કંપનીની નાદારી પ્રક્રિયા માટે નિયુક્ત અધિકારીઓએ રાજ કુન્દ્રા પાસેથી આ સંદર્ભમાં દસ્તાવજો માંગ્યા હતા. જો કે તે હજી સુધી સબમિટ કરવામાં આવ્યા ન હોવાનું કહેવાય છે. આ કેસમાં આર્થિક ગુના શાખા ફરી રાજ કુન્દ્રાને સમન્સ મોકલી શકે છે. તેમજ કદાચ શિલ્પા શેટ્ટીને પણ તપાસ માટે બોલાવવામાં આવશે.

કુન્દ્રા અને શિલ્પા ઘણીવાર વિદેશ જાય છે. તેઓ દેશ છોડી ન જાય માટે અગાઉ લુકઆઉટ  નોટિસ જારી કરવ ામાં આવી છે.