અન્ય રાજ્યોમાં વીર્યના સેમ્પલ લાવી વેચાણ
આઈવીએફ મશીનના પાર્ટસ બનાવતી કંપની દ્વારા વેપલોઃ ૪૫ સેમ્પલ મળ્યાં
મુંબઈ - વસઈ-વિરારમાં, બોગસ ડોકટરો અને બોગસ લેબ પછી ગેરકાયદેસર સ્પર્મ બેંકનો પર્દાફાશ થયો છે. આ કેસમાં, વિરાર પોલીસ સ્ટેશનમાં આઈવીએફ મશીન બનાવતી કંપનીના બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
વિરાર ઈસ્ટના માનવેલપાડામાં પદ્મીબાઈ ટાવરમાં જીવદાની સાયન્ટિફિક નામની કંપની છે, જે આઈવીએફ મશીનોના સ્પેરપાર્ટ્સ બનાવે છે. નગરપાલિકાના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે આ સ્થળે ગેરકાયદેસર રીતે વીર્ય એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તે મુજબ, મહાનગરપાલિકાના તબીબી વિભાગે દરોડો પાડયો હતા. આ સમય દરમિયાન, સ્ટોરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે માનવ વીર્ય તેમ જ ી બીજનોે સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. ટીમને કુલ ૪૫ વીર્ય નમૂનાઓ મળી આવ્યા હતા. તે ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યું હતું.
આ સંદર્ભમાં, વિરાર પોલીસ સ્ટેશનમાં ૪૯ વર્ષના આરોપી મયુર સંખ્યે અને ૪૮ વર્ષના કમલેશ ખટુ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ અને ૨૨૩ બ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વીર્યના નમૂના દિલ્હી, રાંચી અને પટનાથી લાવવામાં આવ્યા હતા અને માંગ મુજબ વેચવામાં આવ્યા હતા, એમ મહાનગરપાલિકાના મુખ્ય તબીબી અધિકારી ડા. ભક્તિ ચૌધરીએ જણાવ્યું હતું. વસઈ-વિરારમાં આ પ્રકારની આ પહેલી કાર્યવાહી છે.


