વિદેશ મંત્રાલયની મંજૂરી લેવાઈ જ ન હતી
વિદેશમાં નોકરીની લાલચે અનેક સાથે છેતરપિંડીની આશંકાઃ સાત લોકો સામે ગુનો દાખલ
મુંબઈ - નવી મુંબઈ પોલીસે વિદેશમાં આકર્ષક નોકરીઓનું વચન આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેરકાયદે ભરતી એજન્સીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે સાત લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને વાશી પોલીસે શનિવારે સંયુક્ત કાર્યવાહી કરતા ગુડવિલ ગ્લોબલ કન્સલ્ટન્સીના કાર્યલય પર દરોડા પાડયા હતા. આ એજન્સી વિદેશ મંત્રાલયની પરવાનગી વિના અહીં કાર્યરત હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશ મંત્રાલયના સહાયક વિભાગ અધિકારીની ફરિયાદના આધારે સાત શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.
વધુમાં અધિકારીઓએ અહીં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વિદેશ મંત્રાલયના માન્ય લાઈસન્સ વિના વિદેશોમાં આકર્ષતક નોકરીનું વચન આપીને લોકો માટે અહીં ભરતી પ્રક્રિયાઓ ચલાવી રહ્યા હતા અને તેમની સાથે છેતરિંપંડી કરી રહ્યા હતા.
આ કાર્યવાહીમાં પોલીસે એજન્સી સાથે સંકળાયેલા સાતેય લોકોને નોટિસો પાઠવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


