આઇ.આઇ.ટી.(બી)ના વિદ્યાર્થીએ એ.આઇ. ટેકનોલોજીથી વરસાદની આગાહીની સિસ્ટમ વિકસાવી

આ સિસ્ટમનું મોડેલ હવામાન વિભાગની કોલાબા ઓફિસમાં ગોઠવવામાં આવ્યું
મુંબઇગરાંને ૯૦ મિનિટ પહેલાં કેટલો વરસાદ વરસશે, પવનની ગતિ કેટલી હશે તેની સચોટ માહિતી મળશે
મુંબઇ - ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી -- બી) બોમ્બેની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) ટેકનોલોજીની મદદથી વરસાદની આગાહી કરી શકે તેવું વિશિષ્ટ પ્રકારનું યંત્ર વિકસાવ્યું છે. આ યંત્રના આધારે વરસાદની આગાહી થઇ શકશે. આ સિસ્ટમને મશીન લર્નિંગ બેઝ્ડ નાઉકાસ્ટિંગ સિસ્ટમ કહેવાય છે.
આ સિસ્ટમનું મોડેલ હવામાન વિભાગની કોલાબા ઓફિસમાં ગોઠવવામાં આવ્યું છે. આ સિસ્ટમ લગભગ આવતા સપ્તાહે કાર્યરત થશે. મશીન લર્નિંગ બેઝ્ડ નાઉકાસ્ટિંગ સિસ્ટમ આઇ.આઇ.ટી-(બી) સેન્ટર ફોર ક્લાઇમેટ સ્ટડીઝના વિદ્યાર્થી અક્ષય સુનિલ અને તેની ટીમે તૈયાર કરી છે. ઉપરાંત,આ પ્રોજેક્ટ પ્રો. સુબીમલ ઘોષના માર્ગદર્શમાં તૈયાર થયો છે.
પ્રો.સુબીમલ ઘોષે એવી માહિતી આપી હતી કે મશીન લર્નિંગ બેઝ્ડ નાઉકાસ્ટિંગ સિસ્ટમ વેધર રાડાર્સમાંની વિગતોનું વિશ્લેષણ કરીને મુંબઇમાં ૯૦ મિનિટ પહેલાં વરસાદી આગાહી કરી શકશે. અમે આવતા સપ્તાહે આ સિસ્ટમની કામગીરી શરૃ કરીશું. વિશિષ્ટ ટેકનોલોજીની આ સિસ્ટમ શરૃ થશે એટલે તે દર આઠ મિનિટે નાઉકાસ્ટ વોર્નિંગ(આવતા ત્રણ-ચાર કલાક દરમિયાન મુંબઇમાં કેટલા મિલિમીટર વરસાદ વરસવાની અને કેટલી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે તેની આગાહી)ની વિગતો તૈયાર થશે. ત્યારબાદ નાઉકાસ્ટ વોર્નિંગની વિગતો મુંબઇફ્લડ.ઇન વેબસાઇટ પર મળી શકશે.
આ સિસ્ટમનો હેતુ રાડાર દ્વારા મળેલી માહિતીના આધારે મુંબઇના આકાશમાં વાદળોની ઉંચાઇ,તેનો પ્રકાર, તેની દિશા, પવનની ગતિ અને દિશા સહિત અન્ય વિગતોના આધારે નાઉકાસ્ટ વોર્નિગ આપવાનો છે. ત્યારબાદ જે તે સમયે હવામાન કેવું છે તેની માહિતી પણ મેળવવામાં આવશે. આ તમામ વિગતોનું વિશ્લેષણ કરીને ૯૦ મિનિટ પહેલાં વરસાદની આગાહી કરી શકાશે.
હવામાન વિભાગ(કોલાબા)નાં સૂત્રોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ખરેખર તો આ કમ્પ્યુટર સિસ્ટમ છે. આ કમ્પ્યુટર સિસ્ટમ અમારા રાડારમાંની વિગતો મેળવીને તેનું વિશ્લેષણ કરીને નાઉકાસ્ટ આગાહી કરશે. આમ તો અમે હાલ હવામાનની ત્રણ કલાક પહેલાં આગાહી કરીએ જ છીએ.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાાન વિભાગના સેક્રેટરી ડો.એમ. રવિચંદ્રને કહ્યું હતું કે હવામાનની સચોટ આગાહીમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતાં રાડારનો ઉપયોગ બહુ જરૃરી છે. મુંબઇને અર્બન રાડાર નેટવર્ક સુવિધાથી સાંકળવામાં આવ્યું છે. હાલ મુંબઇમાં કોલાબામાં અને ગોરેગાંવના વેરાવલીમાં એમ બે ડોપ્પલર વેધર રાડાર છે. આ જ નેટવર્ક સાથે ચાર નવાં એક્સ બેન્ડ પોલારીમમેટ્રીક રાડાર પણ ગોઠવવામાં આવ્યાં છે. આ ચાર નવાં રાડાર વિલેપાર્લે, વસઇ,પનવેલ,કલ્યાણમાં ગોઠવવામાં આવાં છે. આમ કુલ છ વેધર રાડારની મદદથી હવે મુંબઇ સહિત આજુબાજુનાં ૫૦,૦૦૦ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લઇ શકાશે.
હવે તો હવામાન વિભાગ હવામાનની વિવિધ આગાહી માટે ડોપ્પલર વેધર રાડાર,એરબોર્ને રાડાર, સ્પેસબોર્ને રાડાર,મિલિમીટર વેવલેન્ગ્થ રાડાર, વિન્ડ પ્રોફાઇલિંગ રાડાર વગેરે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતાં રાડાર્સનો ઉપયોગ કરે છે.
ઉપરાંત હવામાન વિભાગે આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખીને હવામાનની આગાહી કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એ.આઇ.)નો પણ ઉપયોગ શરૃ કર્યો છે.








