નાસિકમાં મતદાર યાદીમાં ભાજપના બે ઈચ્છુકોને મૃત દર્શાવાયા
કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા ગયા તો જવાબ મળ્યો, ઓન પેપર તમે મૃત છો, તમે રુબરુ આવો તો પણ તમને જીવતા નહિ માનીએ, કોર્ટમાં જાઓ
પંકજ ત્રિપાઠીની કાગઝ ફિલ્મ જેવો કિસ્સોઃ મતદાર યાદીમાં ગરબડ કે પછી કોઈ હરીફ દ્વારા કરામત કરાઈ હોવાનો આરોપ
મુંબઈ - કોરોના કાળમાં પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'કાગઝ' ઓટીટી પર રજૂ થઈ હતી જેમાં સરકારી ચોપડે મૃત જાહેર કરાયેલો આમ આદમી પોતે વાસ્તવમાં જીવીત છે તેવુું સાબિત કરવા માટે કેટલો હેરાન થાય છે તેની વાર્તા હતી. આ ફિલ્મ જેવા જ એક કિસ્સા રુપે નાસિકમાં મ્યુનિસિપલ ચૂંટણી લડવા ઈચ્છતા ભાજપના બે ઈચ્છૂક નેતાઓને મતદાર યાદીમાં મૃત દર્શાવી દેવાયા છે. તેમણે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી તો તેમને જવાબ મળ્યો હતો કે તેઓ વાસ્તવમાં હયાત છે તેવો ઓર્ડર કોર્ટમાંથી લઈ આવે તો જ તેમનાં નામ મતદાર યાદીમાં હયાત મતદાર તરીકે સમાવાશે અને તેમને ચૂંટણી લડવા દેવાશે.
રાજ્યમાં સત્તા ભોગવતા ભાજપના નાસિકના બે નેતાઓ અવિનાશ પાટિલ તથા ઉત્તમ અર્જુન કાળે સિડકો વિસ્તારમાંથી ચૂંટણી લડવા માગે છે. તાજેતરમાં પ્રગટ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી ચેક કરતાં તેઓ ચોંકી ઉઠયા હતા. તેમને આ મતદાર યાદીમાં મૃત્યુ પામી ચૂકેલા હોવાનું દર્શાવાયુું હતું.
આ બંને નેતાઓ તરત જ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે દોડયા હતા. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ હાથ અદ્ધર કરીને કહી દીધું હતું કે એક મતદાર તરીકે તમે જીવિત છો કે મૃત તે મતદાર યાદીમાં અપડેટ કરવાનું કામ કલેક્ટર કચેેરીનું છે. આથી તમે ત્યાં સંપર્ક કરી શકો છો.
આ બંને નેતાઓ જિલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં પહોંચ્યા હતા અને પોતાના હયાતીના પુરાવા રુબરુ આપ્યા હતા. પરંતુ, સરકારી કારકૂનોએ તેમને રોકડું પરખાવી દીધું હતું કે અમારી મતદાર યાદી અનુસાર તમે બંને મૃત્યુુ પામી ચૂક્યા છો. હવે તમારી રુબરુ રજૂઆતનો કે તમે જાતે દસ્તાવેજ આપો તેનો કોઈ અર્થ નથી. તમારે ચૂંટણી લડવી હોય તો તમે જીવીત છો એ મતલબનો ઓર્ડર કોર્ટમાંથી લઈ આવો. નિશ્ચિત સમયમર્યાદામાં આ ઓર્ડર આવશે તો મતદાર યાદી સુધારણામાં તમારો હયાત મતદાર તરીકે સમાવેશ કરશું અને તો જ તમે ચૂંટણી લડી શકશો.
આ બંને નેતાઓ હવે આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારીમાં છે. બીજી તરફ મતદાર યાદીમાં તેમને મૃત તરીકે દર્શાવી દેવા પાછળ સ્થાનિક ચૂંટણી તંત્રની બેદરકારી અથવા તો હરીફોનું કારસ્તાન કારણભૂત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવમાં કોઈ મતદારનું નામ કમી કરવામાં આવે તો પહેલાં તેને નોટિસ અપાવી જોઈએ, પરંતુ આ નેતાઓને કે તેમના પરિવારને આવી કોઈ નોટિસ પણ અપાઈ નથી. મતદાર યાદી તૈયાર કરનારે કયા ડેટા કે કાગળના આધારે આ બે નેતાઓને મૃત તરીકે દર્શાવી દીધા છે તેવો પણ સવાલ પૂછાઈ રહ્યો છે.


