75 ટકા હાજરી નહીં હોય તો ધો.10, 12ની પરીક્ષા આપી શકાશે નહીં

સીબીએસઈ બોર્ડે સૂચના બહાર પાડી
ધો.૧૦ માટે નવમા, દસમામાં તો ધો.૧૨ માટે ૧૧ અને ૧૨ના સંપૂર્ણ વર્ગ ભરવા ફરજિયાત
મુંબઈ - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ ધો.૧૦, ૧૨ની પરીક્ષા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે ૭૫ ટકા હાજરી ફરજિયાત કરાઈ છે. જો વિદ્યાર્થી આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેને પરીક્ષામાં બેસવા દેવાશે નહીં, એવી સ્પષ્ટ સૂચના સીબીએસઈએ આપી છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ હેઠળ મૂલ્યમાપન એ પરીક્ષાનો મહત્ત્વનો ભાગ છે અને તે બે વર્ષના સમયગાળામાં કરવામાં આવે છે. જો વિદ્યાર્થી ગેરહાજર રહે તો તેનું મૂલ્યમાપન થઈ શકે નહીં. આથી તેનો રીઝલ્ટ રોકી રાખવામાં આવે છે અને વિદ્યાર્થીને 'એસેંશિયલ રિપીટ' કેટેગરીમાં મુકવામાં આવે છે.
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા એ છેલ્લાં બે વર્ષના અભ્યાસક્રમ પર આધારિત હોય છે. આથી ધો.૧૦ની પરીક્ષા માટે વિદ્યાર્થીએ નવમું અને દસમું બરોબર ભણ્યું હોવું જોઈએ તો ધો.૧૨ની પરીક્ષા માટે ધો.૧૧ અને ૧૨માં પૂરતી હાજરી જાળવવી જરુરી છે. જો તેમ નહીં હોય તો પરીક્ષામાં બેસવા દેવાશે નહીં. માત્ર અંતિમ વર્ષ ભણીને પરીક્ષા આપી શકાશે નહીં, એવું પણ સીબીએસઈએ સ્પષ્ટ કર્યું છે.









