Mumbai

મેનેજમેન્ટ શિક્ષણ માટે આઈઈટીબીએ એમએસ ગેમ્સ સોફ્ટવેર વિકસાવ્યું

By GS TEAM
29 Oct 20252 mins read
મેનેજમેન્ટ શિક્ષણ માટે આઈઈટીબીએ એમએસ ગેમ્સ સોફ્ટવેર વિકસાવ્યું

એપ્લાઈડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના અધ્યાપકોનું પ્રદાન

વિદ્યાર્થીઓ મેનેજમેન્ટનું  થિઅરી, પ્રેક્ટિકલ જ્ઞાાન સાથે મેળવી  વિવિધ કૌશલ્યો વિકસાવી શકે તે માટે ઈન્ટરેક્ટિવ સિમ્યુલેશન્સ તૈયાર કરાયા

મુંબઇ - કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), રોબોટિક્સ અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં ઉદ્યોગના કામકાજમાં ઝપાટાભેર ફેરફારો આવી રહ્યા છે ત્યારે મેનેજમેન્ટનું શિક્ષણ હજીયે પારંપારિક ઉદાહરણો અને વ્યાખ્યાનો પૂરતું મર્યાદિત છે. આથી આ પારંપારિક પદ્ધતીને લીધે વિદ્યાર્થીઓ વાસ્તવ જગતની નિર્ણયપ્રક્રિયા, અનિશ્ચિતતાને સમયે સમસ્યાઓનું નિરાકરણ કરવું કે સંઘભાવનાના કામ કરવાના કૌશલ્યો આત્મસાત કરવામાં નબળાં પડતાં જણાય છે. આથી તેના ઉપાયરુપે આઈઆઈટી મુંબઈના ટેક્નોક્રાફ્ટ સેન્ટર ઓફ અપ્લાઈડ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના સંશોધકોએ 'એમએસગેમ્સ' નામનું સોફ્ટવેર તૈયાર કર્યું છે.

'એમએસગેમ્સઆ સોફ્ટવેરને લીધે મેનેજમેન્ટ શિક્ષણનો પ્રત્યક્ષ અનુભવ, અનુકૂળતા અને રમતના માધ્યમે અભ્યાસનો નવો આયામ પ્રાપ્ત થાય છે. આઈઆઈટી મુંબઈના પ્રાધ્યાપક અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી તૈયાર કરાયેલ આ સોફ્ટવેરમાં ૧૦થી વધુ ઈન્ટરેક્ટિવ સિમ્યુલેશન્સ સમાવિષ્ટ કરાયા છે. જેમાંથી ઓપરેશન્સ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સેસ, ઓર્ગનાઈઝેશનલ બિહેવિઅર અને ઈકોનોમિક્સ જેવા વિષયોના કૌશલ્યનો વિકાસ થાય છે.

આ સોફ્ટવેરમાં વિદ્યાર્થીઓએ નિર્ણય લેવા પડતાં હોય છે, તે નિર્ણયોનું પરિણામ પણ તરત ભોગવવું પડે છે અને આગળની રણનીતિ ઘડવી પડે છે. આમ, થિઅરી અને પ્રેક્ટિકલ બંનેનું સમતોલન સાધી  'એમએસગેમ્સ' વિદ્યાર્થીઓમાં નિર્ણયક્ષમતા, વિશ્લેષણ શક્તિ અને સંઘભાવના (ટીમ)ના કૌશલ્ય વિકસિત કરે છે. આ સોફ્ટવેર અત્યારે દેશ-વિદેશની ૫૦થી વધુ પ્રતિષ્ઠિત શિક્ષણસંસ્થાઓમાં વપરાય છે. ટેક્નોલોજી જે રીતે આગળ વધી રહી છે, તે જ વેગે શિક્ષણ પદ્ધતિ પણ બદલવી જરુરી છે. અન્યથા તેનું મહત્ત્વ રહેશે નહીં. દેશમાં જ વિકસિત કરાયેલું આ મેનેજમેન્ટ ફ્લાઈટ સિમ્યુલેટર્સ એ ઉક્ત પડકારનો ઉકેલ છે, એવું આ સોફ્ટવેર વિકસાવવામાં સહાયક ભૂમિકા ભજવનાર આઈઆઈટી મુંબઈના પ્રાધ્યાપકે જણાવ્યું હતું.