'આઈ લવ યુ' એ લાગણીની અભિવ્યક્તિ, અશ્લીલ ઈરાદો ન ગણાયઃ હાઈકોર્ટ
તરુણીને આઈ લવ યુ કહેવા બદલ થયેલી ૩ વર્ષની કેદ રદ
અઓગ્ય સ્પર્શ,બળજબરીથી વસ્ત્રાહરણ, અશ્લીલ ચાળા કે ટિપ્પણી જાતીય કૃત્ય ગણાય, ફક્ત આઈ લવ યુ કહેવું એ નહિઃ કોર્ટની ટિપ્પણી
મુંબઈ - 'આઈ લવ યુ' કહેવું અને લાગણીની અભિવ્યક્તિ છે તેનો અર્થ જાતીય સંબંધનો ઈરાદો હોવાનું કહી શકાય નહીં, એવાં નિરીક્ષણ સાથે- બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ૩૫ વર્ષીય શખસને એક તરુણીનો હાથ પકડી તેને આઈ લવ યુ કહેવાના ગુનાસર થયેલી ત્રણ વર્ષની કેદની સજા રદ કરી હતી.
જાતીય કૃત્યમાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી વસ્ત્રહરણ કરવું, મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે અશ્લીલ ચાળા કે ટિપ્પણી કરવાનો સમાવેશ થાય છે, એમ કોર્ટે સોમવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કેસ વિનયભંગ કે જાતીય સતામણીની વ્યાખ્યામાં નથી આવતો.
ફરિયાદ અનુસાર નાગપુરમાં ૧૭ વર્ષીય કિશોરીનો હાથ પકડીને તેને 'આઈ લવ યુ' કહ્યાનો આરોપી સામે આરોપ છે.
નાગપુર સેશન્સ કોર્ટે તેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે સજા રદ કરીને નોધ કરી હતી કે કોઈ સંજોગો એવું દર્શાવતા નથી કે તેનો ઈરાદો પીડિતા સાથ જાતીય સંબંધ બાંધવાનો રહ્યો હોય. 'આઈ લવ યુ' શબ્દ કહેવું કાયદા અનુસાર જાતીય ઈરાદો ગણી શકાય નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.જાતીય સંબંધનો ઈરાદો નક્કી કરવા માટે વધુ કોઈ કૃત્ય કરાયું હોય તે જરુરી હોવાનું કોટનોંધ્યું હતું.
કેસની વિગત અનુસાર કિશોરી સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડીને તેની સાથે ચાલીને તેનું નામ પૂછ્યું અને આઈ લવ યુ કહ્યું હતું. કિશોરી ત્યાંથી ચાલી ગઈ અને ઘરે પહોંચીને પિતાને ઘટનાની જાણ કરી હતી અને બાદમાં પોલીસ કેસ કરાયો હતો.