ખોપોલીમાં પુુત્રને શાળાએ છોડવા ગયેલા પિતા પર જાહેરમાં હથિયારના ઘા ઝિંકાયા
માજી નગરસેવક કાલોખેની હત્યાના વિરોધમાં શિંદે સેનાના કાર્યકરોનો પોલીસ મથક ઘેરાવઃ ચૂંટણીની અદાવતમાં હત્યાના આરોપો સાથે ખોપોલી બંધ કરાવાયું
મુંબઈ - રાયગઢ જિલ્લાનાં ખોપાલીમાં હજુ પાંચ જ દિવસ પહેલાં નગર પરિષદની ચૂંટણીમાં નગરસેવિકા તરીકે ચૂંટાયેલાં માનસી કાલોખેનાં પત્ની મંગેશ કાલોખેની આજે વહેલી સવારે સાત વાગ્યે જાહેર માર્ગ પર સરેઆમ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પુત્રને શાળાએ છોડવા ગયેલા મંગેશ કાલોખે પર એક વાહનમાં આવેલા હત્યારાઓ અચાનક ત્રાટક્યા હતા અને રસ્તા વચ્ચે જ ઘા મારી તેમનું ઢીમ ઢાળી દઈ ફરાર થઈ ગયા હતા. આ હત્યાને પગલે ખોપોલીમાં ભારે તંગદિલીનું નિર્માણ થયુું છે. શિંદે શિવસેનાના કાર્યકરોએ ચૂંટણીની અદાવતમાં હત્યા થઈ હોવાનો સ્પષ્ટ આરોપ મૂકી પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો અને સમગ્ર ખોપોલી બંધ કરાવી દીધું હતું.
ભૂતકાળમાં નગરસેવક રહી ચૂકેલા મંગેશ કાલોખે આજે સવારે સાત વાગ્યે તેમના પુત્રને શાળાએ છોડવા ગયા હતા.તેઓ પુત્રને મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે કાળા રંગની કારમાં ચારથી પાંચ હુમલાખોરો આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ તત્કાળ મંગેશ કાલોખે પર તૂટી પડયા હતા અનેે તેેમને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. સવારે રસ્તા પર લોકો કાંઈ જુએ, સમજે તે પહેલાં હત્યારાઓ ઝડપભેર ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોએ મોઢાં પર બુકાની બાંધી હોવાથી તેમની ઓળખ મુશ્કેલ બની હતી.
આ હત્યાના સમાચાર ફેલાતાં જ શિંદે શિવસેનાના કાર્યકરોનાં ટોળાં રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. કેટલાય કાર્યકરોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ ંહતું અને ચૂંટણીની અદાવતમાં જ હત્યા થઈ છે તેવા આક્ષેપો સાથે ધમાલ મચાવી હતી. કાર્યકરોએ સમગ્ર ખોપોલી ટાઉન પણ બંધ કરાવી દીધું હતું.
હજુ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ખોપોલી નગરપાલિકના વોર્ડ બેમાં એકનાથ શિંદેની શિવસેનાનાં ઉમેદવાર તરીકે માનસી કોલાખે ચૂંટાઈ આવ્યાં હતાં. પત્ની માનસી માટે મંગેશે પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. આ ચૂંટણીની રાજકીય અદાવતમાં જ તેમની હત્યા કરાઈ હોવાના આરોપો થઈ રહ્યા છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ તથા લોકલ નેટવર્કના આધારે હત્યારાઓની ભાળ મેળવવા પ્રયાસ ચાલુુ કર્યા છે. દરમિયાન આ હત્યાના પ્રત્યાઘાતો ન પડે તે માટે સમગ્ર ટાઉનમાં પોલીસનાં ધાડાં ઉતારી દેવાયાં છે અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભરત ગોગાવલેનો આરોપ ઃ એનસીપી નેતાઓના ઈશારે હત્યા થઈં
મંગેશ કાલોખેની હત્યા બાદ તરત જ ખોપોલી દોડી આવેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા તથા રાજ્ય સરકારમાં મંત્રી ભરત ગોગાવલેએ આરોપ મૂક્યો હતો કે આ હત્યા પાછળ એનસીપીના સ્થાનિક નેતાઓનો હાથ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં નગરપાલિકા ચૂંટણીમાં એનસીપીની હાર થઈ હતી. તેના કારણે રાજકીય વૈમનસ્યના ભાગરુપે આ હત્યા થઈ છે.


