Mumbai

પત્ની અને પુત્ર પર હુમલો કરનારાપતિને આજીવન કેદની સજા ફટકારાઈ

By GS TEAM
7 Oct 20252 mins read
પત્ની અને પુત્ર પર હુમલો  કરનારાપતિને આજીવન કેદની સજા ફટકારાઈ

દારુના વ્યસની આરોપીએ પત્ની પર દાંતરડાથી પ્રહાર  કર્યા હતા

રસોડામાં પડી જવાથી ૨૮ ઇજાઓ ની પતિની દલીલ કોર્ટે ફગાવીઃ વચ્ચે પડેલા પુત્રને પણ ઈજા થતાં મહત્ત્વનો સાક્ષી બન્યો

મુંબઈ -  ની એક કોર્ટે ૨૦૧૯ માં  પત્ની અને પુત્ર પર દાંતરડા વડે ક્રૂરતાથી હુમલો કરવા બદલ એક પુરુષને આજીવન કેદની સજા ફટકારી છે. રસોડાના રેક પર પડવાથી મહિલાને ૨૮ ઇજાઓ થયાના પતિના દાવાને  અશક્ય ગણાવીને કોર્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી.   થાણે

એડિશનલ સેશન્સ જજ જી.જી. ભણસાલીએ ચોથી  ઓક્ટોબરના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રમોદ કાન્હા પાટિલ (૪૩)નો ઈરાદો  ઈજા, વપરાયેલા હથિયારનો પ્રકાર અને મારામારીની ગંભીરતા પરથી જાણી શકાય છે.

અધિક  સરકારી વકીલ આર.ડબ્લ્યુ. પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે ૨૬ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ થયેલા હુમલાને કારણે આરોપીની પત્ની વૈજયંતી પાટીલ લગભગ ૪૦ દિવસ સુધી બેભાન રહી હતી. તેને ૨૮  ગંભીર  ઇજાઓ થઈ હતી, જેમાં ખોપરીના અનેક ફ્રેક્ચર અને મગજની ઇજાઓનો સમાવેશ થાય છે.

બેરોજગાર અને દારૃનો વ્યસની   પતિ અવારનવાર  પત્ની પર હુમલો કરતો હતો. ઘટનાની રાત્રે, આરોપી થાણેના નિવાસસ્થાને તેની પત્નીનોે પીછો કરીને રસોડામાં ગયો અને તેના પર માછલી કાપવા માટે વપરાતી દાતરડીથી હુમલો કર્યો હતો.ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે  નાના પુત્ર  પૃથ્વી પાટીલે  માતાને બચાવવા માટે દરમિયાનગીરી કરતાં  તેને પણ હાથ અને કપાળમાં ઈજા થઈ હતી.

બંને પુત્રો, રાજ પાટીલ અને પૃથ્વી પાટીલ, પ્રત્યક્ષદર્શી તરીકે જુબાની આપી હતી. પૃથ્વી પાટીલની જુબાની મહત્વપૂર્ણ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની માતાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેને બે વાર દાતરડાથી મારવામાં આવ્યો હતો.દાતરડું મળી આવવું, પીડિતો અને આરોપીઓના લોહીથી ખરડાયેલા કપડાં અને ઘરની દિવાલો અને ફ્લોર પર લોહીના ડાઘાની હાજરી આરોપોને સમર્થન આપે છે.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે મહિલાને રસોડામાં તીક્ષ્ણ વાસણના રેક પર પડી જવાથી ઈજા થઈ હતી, અને પુત્રને જમીન પર રમતી વખતે ઈજા થઈ હતી.બચાવ પક્ષની દલીલને ફગાવી દેતા ન્યાયાધીશે કહ્યું હતું કે પીડિતાને થયેલી ૨૮ ઇજાઓ જમીન પર કે રસોડાના કોઈપણ વાસણના રેક પર પડવાથી શક્ય નથી. 

 પૃથ્વી પાટિલ બીજો પીડિત છે, આરોપીનો નાનો પુત્ર છે. તેણે તેની માતાને આરોપીના મારથી બચાવવા માટે દરમિયાનગીરી કરી હતી. તે ઘાયલ છે અને એક સાક્ષી છે,એમ કોર્ટે નોંધ્યું હતું. 

 અપૂરતી સજા ફટકારવા માટે અયોગ્ય સહાનુભૂતિ ન્યાય વ્યવસ્થાને વધુ નુકસાન પહોંચાડશે અને કાયદાની અસરકારકતામાં જનતાના વિશ્વાસને ઓછો કરશે,એમ કોર્ટે ઉમેર્યું હતું.કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ તે વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી.